Top Newsનેશનલ

ઉત્તર ભારતમાં ‘યલો એલર્ટ’ અને વરસાદી બવંડર, નલિયા 8.6 ડિગ્રી સાથે ઠૂંઠવાયું!

નવી દિલ્હી/અમદાવાદ: સમગ્ર ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના હવામાનમાં આગામી 4 દિવસ દરમિયાન મોટો ફેરફાર જોવા મળશે. હિમાલય ક્ષેત્રમાં સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ના કારણે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા 2 દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. 31 જાન્યુઆરીથી આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં ઠંડીનો મિશ્ર અનુભવ

નલિયા 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગુજરાતમાં પણ ઠંડી અને લઘુત્તમ તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા 8.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. ડીસામાં 11.8 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, પોરબંદરમાં 12.8 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, અમદાવાદમાં 15.9 ડિગ્રી, વડોદરામાં 16.8 ડિગ્રી અને સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માત્ર ઉત્તર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મધ્ય પ્રદેશના રાજગઢમાં દેશનું સૌથી નીચું 3.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે બીજી તરફ કેરળના કોચીમાં દેશનું સૌથી ઊંચું 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ કેરળના કિનારે ચક્રાકાર પવનો (Cyclonic Circulation) ફૂંકાઈ રહ્યા હોવાથી દક્ષિણ ભારતમાં પણ પલટાના સંકેતો છે.

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતાને જોતા પ્રવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી આ ‘બવંડર’ ની અસરને કારણે સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં વધ-ઘટ થવાની પૂરેપૂરી સંભાવના છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button