
નવી દિલ્હી: આ વર્ષે ઠંડીની શરૂઆત ખુબજ ધીમી રહી. પરંતુ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવે દેશવાસીઓ ઠંડી ઓછી થવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પણ હાડ થીજાવી દેતી ઠંડી પડી રહી છે. ત્યારે 24 જાન્યુઆરીના રોજ મધરાતે દિલ્હીમાં ઘણી જગ્યાએ ધીમો વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીમાં ફેલાયેલા ગાઢ ધુમ્મસમાં દિલ્હીને થોડી રાહત મળી હતી. પરંતુ દિલ્હી વાસીઓને ઠંડીમાં સહેજ પણ રાહત મળી નહોતી.
હવામાન વિભાગે આજે એટલે 25 જાન્યુઆરીના રોજ માહિતી આપી હતી કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 25 થી 28 જાન્યુઆરી સુધી હિમાલયને અડીને આવેલા વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. તેમજ તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને છત્તીસગઢમાં આગામી બે-ત્રણ દિવસમાં હળવા વરસાદની સંભાવના છે.
જ્યારે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે અને કડકડતી ઠંડી પડશે. IMDના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ 28 જાન્યુઆરી સુધી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ઠંડીથી બચવા લોકો તપણા કરી રહ્યા છે. પહાડોમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ છે, જ્યારે પંજાબ-હરિયાણાની સાથે દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, મેરઠ અને મુઝફ્ફરનગરમાં હળવા વરસાદની સંભાવના છે.
ત્યારે IMD એ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન જેવા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ‘કોલ્ડ ડે’ અને ‘ગંભીર કોલ્ડ ડે’નું એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે તેવી શક્યતા છે.
ધુમ્મસના કારણે ફ્લાઈટ અને ટ્રેન સેવાને પણ અસર થઈ હતી. બુધવારની મોડી રાતથી લગભગ 122 ફ્લાઈટો અડધોથી દોઢ કલાક સુધી મોડી પડી હતી.
આ ઉપરાંત ગાઢ ધુમ્મસને કારણે રિયાધથી નવી દિલ્હી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ 10 કલાક મોડી પહોંચી હતી. તેવી જ રીતે નવી દિલ્હીથી જેદ્દાહ જતી ફ્લાઇટ પણ લગભગ સાત કલાક મોડી પડી હતી. તેમજ ઢાકાથી નવી દિલ્હીની ફ્લાઈટ લગભગ ચાર કલાક મોડી પહોંચી હતી.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાંથી વારાણસીની ફ્લાઈટ છ કલાક, શ્રીનગરની ફ્લાઈટ ચાર કલાક અને લખનઉની ફ્લાઈટ લગભગ પાંચ કલાક મોડી પડી હતી. એ જ રીતે વંદે ભારત, રાજધાની, શતાબ્દી સહિતની 100 થી વધુ લાંબા અંતરની ટ્રેનો કલાકો મોડી દિલ્હી પહોંચી હતી. જેના કારણે ઘણી ટ્રેનોના ઉપડવાનો સમય પણ બદલવો પડ્યો હતો. જોકે હવામાન વિભાગે આગાહી કરી હતી કે હમણાં ઠંડી ઓછી નહિ થાય તો આજ પ્રકારનું હવામાન 28 જાન્યુઆરી સુધી રહે તેવી શક્યતાઓ છે.