
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે. ગઈ કાલે શનિવારે રાત્રે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સાથે વરસાદ અને કરા પડ્યા હતાં. ઉત્તર-પશ્ચિમ ભારતના પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઇ હતી. હવામાનમાં આ ફેરફારને કારણે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
હવામાન વિભાગે રવિવારે ઉત્તરાખંડ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પવન, વીજળી અને હળવાથી ભારે વરસાદ માટે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.
ગઈ કાલે આવું હવામાન રહ્યું:
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, શનિવારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ બરફવર્ષા પણ થઈ હતી. કાશ્મીર ખીણના ગુરેઝમાં ભારે હિમવર્ષાને કારણે, ધોરણ 8 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન ફૂંકાયો અને કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આ ઉપરાંત, કોંકણ અને ગોવા અને મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્ર સિવાય, છત્તીસગઢથી કર્ણાટક અને કેરળ અને ઉત્તર-પૂર્વ સુધીના દેશના તમામ સાત રાજ્યોમાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: દેશના આ રાજયોને મળશે કાળજાળ ગરમીથી રાહત, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
આ કારણે બદલાશે હવામાન:
હાલ ઉત્તરપશ્ચિમ હિમાલય પ્રદેશ પર એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને ઉત્તરપશ્ચિમ ઝારખંડ અને ઉત્તર બાંગ્લાદેશ અને નજીકના વિસ્તારોમાં ઉપલા અને નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે સાઈક્લોનીક સર્ક્યુલેશન છે. દક્ષિણ હરિયાણા અને નજીકના વિસ્તારોથી ઉત્તર બાંગ્લાદેશ સુધી એક ટ્રફ લાઇન પણ યથાવત છે. જેને કારણે આજે રવિવારે જમ્મુ-કાશ્મીરથી કેરળ અને પૂર્વોત્તરના તમામ સાત રાજ્યો સહિત 20 રાજ્યોમાં પવન, ભારે વરસાદ, વીજળી અને કરા પડવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.