
નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. માર્ચ મહિનામાં જ દિલ્હીમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. 3 વર્ષમાં સૌથી વધુ ગરમી ગઈકાલે નોંધાઈ હતી. પૂર્વાનુમાન અનુસાર ગુરુવારથી ત્રણ દિવસ તાપમાન ઘટી શકે છે. 30 માર્ચથી ફરી એક વખત ગરમી વધી શકે છે.
ઉત્તર પ્રદેશમાં પણ ધીમે ધીમે તાપમાન વઘી રહ્યું છે. દિવસે કાળઝળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. ઝાંસી, હમીરપુર, પ્રયાગરાજ સહિત અનેક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ પગયો છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં અનેક જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળશે. આજે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. 20 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાતા લૂનો અનુભવ થશે.
આ પણ વાંચો: પાટનગર દિલ્હી માર્ચ અંતમાં તપ્યું, આજનો દિવસ સૌથી વધુ ગરમ
ઉત્તરાખંડના મેદાની જિલ્લામાં ગરમી વધી રહી છે. પર્વતીય વિસ્તારોમાં આંશિક વાદળો છવાઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા સાથેનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમી વિક્ષોભના કારણે રાજસ્થાનના અનેક વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. આગામી 48 કલાકમાં જોધપુર, બીકાનેરમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. એક સપ્તાહ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. મધ્ય પ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, છીંદવાડા, સતના, રીવા, નીમચ સહિત અનેક વિસ્તારમાં ભીષણ ગરમી પડી શકે છે. તમિલનાડુ અને કર્ણાટકના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ પશ્ચિમ હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: હેં, એક સમયે તાજમહેલનો ઉપયોગ ઘોડાના તબેલાં તરીકે કરવામાં આવતો હતો?
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો ખાસ કરીને અકોલ જિલ્લામાં ભીષણ ગરમી પડી શકે છે. અહીંયા તાપમાન સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે. મુંબઈમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.