નવી દિલ્હીઃ આપણે ભણવામાં એમ શીખ્યા છીએ કે ભારતમાં ત્રણ ઋતુ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ દરેક ઋતુના ચાર મહિના છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ, ત્યાર બાદ ચાર મહિના ઠંડી અને પછી ચાર મહિના કાળઝાળ ગરમી, પણ આબોહવા પરિવર્તનને કારણે ક્યારે કાળઝાળ ગરમી પડે અને ક્યારે માવઠુ થઇ જાય એ નક્કી નથી. કમોસમી વરસાદ, આગઝરતી લુ અને ગરમી તો સામાન્ય થઇ ગઇ છે, તો બાપડી ઠંડી ક્યાંક લપાતી, છુપાતી ક્યારેક દસ-પંદર દિવસ દેખા દઇ જાય છે. આગામી સમય માટે આવો જ કંઇક વરતારો હવામાન વિભાગે જણાવ્યો છે.
આ પણ વાંચો : નવું કાશ્મીરઃ પુલવામામાં રચાયો ઈતિહાસ, સ્થાનિકોએ પહેલી વખત ફરકાવ્યો તિરંગો…
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે અને કેટલાક રાજ્યોમાં ભારે ઠંડી પડશે તો કેટલાક રાજ્યમાં વરસાદ પડશે. વેસર્ટન ડિસ્ટર્બન્સને કારણે બિહાર, ઝારખંડ, ઓરિસ્સાથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળામાં ઉત્તર પ્રદેશ, બિહાર, નાગાલેન્ડ અને ઉત્તર પૂર્વના રાજ્યમાં ગાઢ ધુમ્મસ રહેશે. આગામી દિવસોમાં રાજધાની દિલ્હીમાં તીવ્ર ગરમીથી લોકો મુશ્કેલી અનુભવશે.
આ પણ વાંચો : એન્જિનિયર્સને માટે કેન્દ્ર સરકારની નોકરીની સોનેરી તક, 350 જગ્યાઓ માટે ભરતી
બે દિવસ બાદ ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને મહારાષ્ટ્રના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે. રાજસ્થાનમાં આગામી દિવસોમાં તીવ્ર ઠંડીનો વરતારો છે. પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા નથી.