
નવી દિલ્હી/અમદાવાદ: સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નલિયા ૧૦.૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. ગાંધીનગર, ડીસા અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ લઘુત્તમ તાપમાન ૧૨થી ૧૫ ડિગ્રીની આસપાસ નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. દિલ્હી-NCR ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે, જ્યાં વિઝિબિલિટી ૫ મીટરથી પણ ઓછી થઈ જતાં વાહનવ્યવહાર, ટ્રેન અને ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા છે.
10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા ટાઢુંબોળ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે ઉપરાંત ગાંધીનગર અને ડીસામાં ન્યૂનતમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં ન્યૂનતમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરતમાં 19 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.
જ્યારે મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે આતો અમદાવાદમાં 28.7 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 31.2 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 28.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 30.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 28.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 27 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 30.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 28.5 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 31.9 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 32.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય
દિલ્હી-NCRમાં અત્યારે કડકડતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને પાંચ મીટરથી પણ ઓછી થઈ ગઈ છે. રસ્તાઓ પર ઘેરા અંધકારને કારણે ટ્રાફિકની ગતિ સાવ થંભી ગઈ છે અને વાહનો પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા નોઈડા અને ગાઝિયાબાદમાં ૧ જાન્યુઆરી સુધી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ધુમ્મસની સાથે પ્રદૂષણમાં પણ ભારે વધારો થયો છે, જેમાં આનંદ વિહાર અને રાજઘાટ જેવા વિસ્તારોમાં AQI ૪૦૦ને પાર કરી ગયો છે. આ પ્રતિકૂળ હવામાનની સીધી અસર ફ્લાઇટ અને ટ્રેનોના શિડ્યુલ પર પણ પડી છે.
આપણ વાંચો: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ભયાનક સ્તરે; AQI 390 પાર, ઓરેન્જ એલર્ટ જાહેર…



