અમે પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું ભારત નહીં કરીએઃ જાણો કોણે કહ્યું આમ
NCERTએ પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે ત્યારે કેરળના શિક્ષણ પ્રધાન વી શિવનકુટ્ટીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર NCERT ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણને સ્વીકારશે નહીં.
નાગરિકોને બંધારણમાં જણાવ્યા મુજબ ઈન્ડિયા અથવા ભારતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ત્યારે માત્ર ભારતનો ઉપયોગ દેશના નામ તરીકે થવો જોઈએ તેવી ભલામણ એક સંકુચિત રાજકારણ છે. કેરળ આ સ્વીકારી શકે નહીં,તેમ વી શિવનકુટ્ટીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
અગાઉ, NCERT દ્વારા અમુક ચેપ્ટર્સને હટાવ્યા હતા. અમે તેમને એડિશનલ સિલેબસ તરીકે સામેલ કર્યા હતા. જો NCERT બાળકોને એવી વસ્તુઓ શીખવવા માંગે છે જે ગેરબંધારણીય, અવૈજ્ઞાનિક અને ઇતિહાસની વિકૃત આવૃત્તિઓ છે, તો કેરળ તેનો વિરોધ કરશે,” તેમણે ઉમેર્યું હતું.
શિવનકુટ્ટીએ એમ પણ કહ્યું હતું કે કેરળ સરકાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાલમાં ઉપયોગમાં લેવાતા 44 પાઠયપુસ્તકો તૈયાર કરવાના કાર્યની વિગતવાર ચર્ચા કરવા માટે રાજ્ય અભ્યાસક્રમ સમિતિને બોલાવશે.
ઈતિહાસકાર સીઆઈ ઈસાકની આગેવાની હેઠળની એનસીઈઆરટી પેનલે શાળાના પાઠ્યપુસ્તકોમાં ઉપરોક્ત ફેરફાર કરવાની ભલામણ કરી હતી.
સમિતિની ભલામણ પર પ્રતિક્રિયા આપતા, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે બુધવારે કેન્દ્ર પર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.