નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બાંધીશું: મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના અગરતલામાં એક ચૂંટણી રેલીને સંબોધતાં એક મોટું વચન આપી દીધું હતું કે દેશમાં ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે. આનાથી ત્રિપુરાના લોકોને મોટો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પૂર્વોત્તરમાં કનેક્ટિવિટી વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ પ્રસંગે અયોધ્યામાં બાંધવામાં આવેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 500 વર્ષ રાહ જોયા પછી આખરે રામ લલ્લા તંબુને સ્થાને ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે.તેમણે કહ્યું હતું કે 500 વર્ષે ભગવાન રામ લલ્લાનું સૂર્ય તિલક થઈ રહ્યું છે.

આ પણ વાંચો: વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે

આપણે અયોધ્યામાં ઉજવણીમાં સહભાગી થઈ શકતા નથી, પરંતુ આપણા મોબાઈલની લાઈટો ચાલુ કરીને તેનું અજવાળું અને પ્રાર્થના ભગવાન રામ સુધી પહોંચાડીએ.તેમણે લોકોને સંબોધતાં કહ્યું હતું કે આજે આખા દેશમાં મોદીની ગેરેન્ટી ચાલી રહી છે. પૂર્વોત્તર પોતે જ મોદીની ગેરેન્ટીનો દાખલો છે. જે પૂર્વોત્તરમાં કૉંગ્રેસે ફક્ત સમસ્યા આપી હતી તે પૂર્વોત્તરને ભાજપે સંભાવનાઓનો સ્રોત બનાવી નાખ્યો છે. 2014માં જ્યારે આવ્યા ત્યારે અમારી સાથે આશા લઈને આવ્યા હતા, પરંતુ 2019માં મોદી આવ્યા ત્યારે વિશ્ર્વાસ લઈને આવ્યા હતા અને હવે જ્યારે 2024માં મોદી આવ્યા છે ત્યારે પોતાની સાથે ગેરેન્ટી લઈને આવશે. મોદીની ગેરેન્ટીનો અર્થ છે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી. એનડીએ સરકાર સબકા સાથ, સબકા વિકાસમાં માને છે અને દરેક નાગરિકને કોઈપણ ભેદભાવ વગર લાભ મળે તે સુનિશ્ર્ચિત કરવામાં આવશે.

ત્રિપુરા માટે વડા પ્રધાનનું હીરા મોડેલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ હવે સિનિયર સિટિઝન્સને પણ આપવાનો નિર્ણય લીધો છે. ત્રિપુરાના વિકાસ માટે ભાજપે હીરા (હાઈવે, ઈન્ટરનેટ-વે, રેલવે અને એરવેઝ) મોડેલ અપનાવ્યું છે. ત્રિપુરામાં ચાર લેનના હાઈવેનું નિર્માણ ચાલી રહ્યું છે. એક સમયે ત્રિપુરામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હતી, હવે આખા ત્રિપુરામાં ફાઈવજી (5જી) ઈન્ટરનેટ ઉપલબ્ધ છે.


કૉંગ્રેસ-સીપીએમે કરપ્શન આપ્યું

મોદીએ કહ્યું હતું કે પૂર્વોત્તરના વિકાસ માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. હું અત્યાર સુધીનો એકમાત્ર વડા પ્રધાન છું જેણે એક દાયકામાં 50થી વધુ વખત પૂર્વોત્તરની મુલાકાત લીધી છે. આજે ત્રિપુરા માટે ભાજપનો અર્થ વિકાસની રાજનીતી છે. જ્યારે ત્રિપુરામાં કૉંગ્રેસ અને સીપીએમ મુખ્ય પાર્ટીઓ હતી ત્યારે ભ્રષ્ટાચાર વધ્યો હતો. તપાસ એજન્સીની ટીકા કરનારા કોંગ્રેસના યુવરાજ હવે કેરળના મુખ્ય પ્રધાનની ભ્રષ્ટાચારના આરોપ હેઠળ ધરપકડ કરવાની માગણી કરી રહ્યા છે. કોઈપણ ભ્રષ્ટ વ્યક્તિને માફ કરવામાં આવશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button