નેશનલ

“અમે તમને વોટ આપ્યા હતા…” શિવરાજને મળીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી આ મહિલાઓ, વીડિયો વાઇરલ

ભોપાલ: મધ્યપ્રદેશમાં નવા મુખ્યપ્રધાનની જાહેરાત થઇ ગઇ છે. ભાજપ હાઇકમાન્ડે આ વખતે રાજ્યમાં શાસનની ધુરા શિવરાજસિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. છેલ્લા 18 વર્ષથી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુકેલા શિવરાજે સોમવારે રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ અમુક મહિલાઓ તેમને મળવા માટે પહોંચી હતી, અને મુખ્યપ્રધાન પદ પરથી શિવરાજની વિદાયને પગલે ભાવુક થઇ ગઇ હતી.

પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણની મહિલાઓ સાથેની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણ મુખ્યપ્રધાન પદ છોડી રહ્યા હોવાને કારણે આ મહિલાઓ અત્યંત ભાવુક થઇને રડવા લાગી હતી, અને કહી રહી હતી કે, “અમે તમને વોટ આપ્યો હતો.. ” તેમજ શિવરાજસિંહ ચૌહાણ પણ તેમને રડતી જોઇને લાગણીશીલ થઇ ગયા હતા.

ભાજપે આ વખતે મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો છે. વિધાનસભાની કુલ 230 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો પર જીત હાંસલ કરી છે. ભાજપે મધ્યપ્રદેશમાં ચૂંટણીઓ વખતે સીએમના ચહેરા અંગે રહસ્ય જાળવ્યું હતું. સોમવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં અચાનક જ મોહન યાદવના નામની જાહેરાત કરી ભાજપે સૌને ચોંકાવી દીધા હતા.

દરમિયાન મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ શિવરાજ સિંહ ચૌહાણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે મોહન યાદવના નેતૃત્વમાં ભાજપની સરકાર ઝડપથી કામ કરી રહી છે તે પૂરા કરશે. દરમિયાન તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે કંઈ માગ્યા કરતા મરવું યોગ્ય છે. શિવરાજ સિંહ ચૌહાણેકહ્યું હતું કે મારે કંઈ માગવું નથી. વાસ્તવમાં કંઈ માગ્યા કરતા હું મરવાનું પસંદ કરીશ, તેથી મેં કહ્યું હતું કે હું દિલ્હી જઈશ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button