અમે અમારા ફિલિસ્તાની ભાઈ-બહેનો સાથે છીએઃ UNSCમાં ભારતે ઈઝરાયલ-અમેરિકાને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ગાઝામાં થઈ રહેલા નરસંહાર અને માનવતા સામે ઊભા થયેલા સંકટ સામે વિરોધ દર્શાવી ઈઝરાયલ અને અમેરિકાને સ્તબ્ધ કરી દીધા છે. UNSCમાં ભારતે પોતાની રજૂઆત કરતા ગાઝાની સ્થિતિને ચિંતાજનક ગણાવી છે અને તાત્કાલિક ધોરણે યુદ્ધ બંધ કરવાની વાત મૂકી છે.
ભારતે યુએનએસસીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફક્ત છૂટક યુદ્ધવિરામ યોગ્ય નથી. આનાથી જે તે પ્રદેશના લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરી શકશે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે બુધવારે યુએન સુરક્ષા પરિષદમાં મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ- પેલેસ્ટાઇન પ્રશ્ન સહિત વિષય પર ખુલ્લી ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. હરીશે કહ્યું, આજની બેઠક ગાઝામાં ગંભીર માનવતાવાદી કટોકટીની સ્થિતિ અંગે થઈ રહી છે. છૂટાછવાયા યુદ્ધવિરામને લીધે ત્યાંના લોકો દૈનિક ધોરણે ખોરાક અને ઈંધણની તીવ્ર અછત, અપૂરતી તબીબી સુવિધાઓ અને શિક્ષણની વ્યવસ્થાનો અભાવ વગેરે જેવા પડકારો ઝીલી રહ્યા છે.
હરિશે આ મામલે કહ્યું કે આવી માનવીય સંકટની સ્થિતિમાં ભારતની સ્પષ્ટ નીતિ છે કે શાંતિનો કોઈ વિકલ્પ નથી. આથી તાત્કાલિક સંપૂર્ણ યુદ્ધ વિરામ થાય. તમામ બંધકોને છોડી દેવામાં આવે અને સંવાદ અને વાટાઘાટોથી આ સમસ્યાઓનું સમાધાન શોધવામાં આવે.
આપણ વાંચો: શું ભારત-પાકિસ્તાનના સંબંધોમાં આવશે સુધાર? શહબાઝ શાંતિ મંત્રણા માટે તૈયાર
હરિશે એમ પણ કહ્યું કે ભારત અને ફિલિસ્તાન વચ્ચે વર્ષોથી સારા સંબંધો છે અને અમે હંમેશાં અમારા ફિલિસ્તાની ભાઈ-બહેનો સાથે ઊભા રહ્યા છીએ. ફિલિસ્તાનીઓને સાથ આપવા અમે કટિબદ્ધ છીએ.
ભારતના આ ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત વલણે અમેરિકા અને ઈઝરાયલ સહિત વિશ્વને સ્તબ્ધ કર્યું છે, જ્યારે માનવતાવાદી અભિગમવાળા લોકો અને ગાઝામાં થઈ રહેલી અમાનવીય પ્રવૃત્તિઓના વિરોધીઓ ભારતની આ રજૂઆતને બિરદાવી રહ્યા છે.
ઘણા સમયથી ગાઝામાં ભૂખમરો છે. બાળકો સહિત તમામ બે ટંકના ખાવા માટે રઝળી રહ્યા છે. ઘણીવાર ભોજન જોઈને ભેગા થયેલા લોકો પર હુમલો કરી તેમને મારી નાખવામાં આવે છે. આ સાથે તબીબી સેવાઓ લગભગ ઠપ છે. આવા સમયમાં માનવતાને જ ધર્મ માનતા ભારતીય વલણને હરિશે ઘણી મજબૂતાઈથી વિશ્વ સમક્ષ મૂક્યું છે.