અમે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારીએ છીએ, ડોસિયર મોકલતા નથી: વડા પ્રધાન મોદી
લાતુર/સોલાપુર/ધારાશિવ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારપુર્વક કહ્યું હતું કે તેમની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના નવા આક્રમક અભિગમ અપનાવ્યા છે અને હવે દેશમાં આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે, આ પહેલાં કૉંગ્રેસના શાસનકાળમાં ડોઝિયર (દસ્તાવેજી પુરાવા) મોકલવાની પદ્ધતિ હતી.
મહારાષ્ટ્રમાં મંગળવારે ત્રણ સ્થળો લાતુર, સોલાપુર અને ધારાશિવમાં ચૂંટણી રેલીને તેમણે સંબોધી હતી.
મહારાષ્ટ્રની રેલીમાં તેમણે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારની કૃષિ પ્રધાન તરીકેના કાર્યકાળની ટીકા કર્યા બાદ સંરક્ષણ પ્રધાન તરીકેના કાર્યકાળની પણ ટીકા કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે 2008ના આતંકવાદી હુમલા બાદ ત્યારની સરકાર પાકિસ્તાનને ડોઝિયર મોકલતી હતી અને તેને મોટા સમાચાર ગણવામાં આવતા હતા, હવે અમે ડોઝિયર મોકલતા નથી. આજ ભારત ઘર મેં ઘૂસ કે મારતા હૈ. એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પીઢ નેતા શરદ પવારને ભટકતી આત્મા ગણાવી તેના બીજા જ દિવસે એટલે કે મંગળવારે ફરી તેમની ટીકા કરતાં કહ્યું હતું કે એનસીપી (એસપી)ના નેતા જ્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન હતા ત્યારે તેમણે રાજ્યના ખેડૂતો માટે કશું જ કર્યું નહોતું અને હવે સમય આવી ગયો છે કે ખેડૂતો તેમને આને માટે સજા આપશે.
તેમણે કૉંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેઓ 275 ઉમેદવાર પણ ઊભા રાખી શક્યા નથી. તેમણે લોકોને એવી અપીલ કરી હતી કે કૉંંગ્રેસને મતદાન કરીને વોટ વેડફી નહીં નાખતા.
મોદી મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા માળશિરસ ખાતે ભાજપના ઉમેદવાર રણજિતસિંહ નાઈક નિંબાળકર માટે માઢા બેઠક પરથી પ્રચારની રેલીને સંબોધી રહ્યા હતા.
આપણ વાંચો: પહેલા બે તબક્કાના મતદાનમાં ઈન્ડી ગઠબંધનનો સફાયો: વડા પ્રધાન મોદી
પવારનું નામ લીધા વગર તેમની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે પંદર વર્ષ પહેલાં એક મોટા નેતા અહીં ચૂંટણી લડવા માટે આવ્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે તેમણે એવા શપથ લીધા હતા કે સૂર્યાસ્ત થશે તે પહેલાં અહીંના દુકાળ-ગ્રસ્ત વિસ્તારો માટે પાણી લાવશે. શું તેઓ પાણી લાવવામાં સફળ થયા હતા? શું તમને યાદ છે? હવે સમય આવી ગયો છે કે તેમને સજા કરવામાં આવે. ત્યારથી આ નેતાએ ફરી અહીંથી ચૂંટણી લડવાની હિંમત દાખવી નથી. વિદર્ભ હોય કે મરાઠવાડા લોકોને પાણીથી વંચિત રાખવાનું પાપ વર્ષોથી આચરવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
કૉંગ્રેસને દેશનું શાસન કરવાની તક 60 વર્ષ સુધી મળી હતી. દુનિયાના અન્ય દેશોએ આ 60 વર્ષમાં તેમના દેશનો કાયાકલ્પ કરી નાખ્યો હતો, પરંતુ કૉંગ્રેસ ખેતરો સુધી પાણી પહોંચાડવામાં પણ નિષ્ફળ ગઈ હતી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે 2014 સુધીમાં આખા દેશમાં 100 જેટલા સિંચાઈના પ્રોજેક્ટ અટકેલા પડ્યા હતા અને તેમાંથી 35 ફક્ત મહારાષ્ટ્રના હતા. વિપક્ષી આઘાડીના નેતાઓ ખેડૂતો માટે મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ 2014 પહેલાં તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે શું કર્યું હતું. 2014માં સત્તામાં આવ્યા પછી મેં બધી તાકાત અટકી પડેલા પ્રોજેક્ટને પૂરા કરવામાં લગાવી હતી.
અટકી પડેલા 100 સિંચાઈ પ્રોજેક્ટમાંથી 66 પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે. મારી ફરજ છે કે ખેડૂતોને તેમની ત્યારની સ્થિતિ યાદ અપાવું. હું અહીં કોઈની ટીકા કરવા માટે આવ્યો નથી, પરંતુ ખેડૂતો સામે સચ્ચાઈ લાવવાનું મારું કામ છે. મારી જિંદગીનું લક્ષ્ય બધાને ઘરે-ઘરે પાણી પહોંચાડવાનું છે, એમ મોદીએ કહ્યું હતું.
પવાર કેન્દ્રીય કૃષિ પ્રધાન હતા તે સમયની વાત કરતાં તેમની ટીકા કરતાં કહ્યું હતું કે જ્યારે આ દિગ્ગજ નેતા રિમોટ ક્ધટ્રોલ સરકારમાં કૃષિ પ્રધાન હતા ત્યારે ખેડૂતોને શેરડીની એફઆરપી રૂ. 200 મળતી હતી અને તેની સામે અત્યારે રૂ. 340 મળે છે. શેરડીના ખેડૂતોને તેમના લેણાં નાણાં વસૂલ કરવા માટે ધક્કા ખાવા પડતા હતા અને હવે 100 ટકા ચૂકવણી થઈ જાય છે. (પીટીઆઈ)