‘અમે સેન્સરશિપ કે માર્શલ લૉ ન લાદી શકીએ’ કેજરીવાલ અંગેના મીડિયા કવરેજ પર દિલ્હી હાઈ કોર્ટ
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા માની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejariwal) હાલ તિહાર જેલમાં કેદ છે. તેઓ જેલમાં રહીને સરકાર ચલાવવાની જાહેરાત કરી ચુક્યા છે. કેજરીવાલ અંગેના ન્યુઝ પર નિયંત્રણ કરવાની અરજી પર આજે બુધવારે દિલ્હી હાઈ કોર્ટે(Dekhi highcourt)માં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટ મીડિયાને સેન્સર કરવાના અથવા વાણી સ્વતંત્રતા પર નિયંત્રણો મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
અરવિંદ કેજરીવાલની ધરપકડ અથવા તેમના રાજીનામા અંગેની અટકળો વિશે ન્યુઝ ચેનલોને સનસનાટીભર્યા હેડલાઇન્સ પ્રસારિત કરવાથી રોકવા નિર્દેશ આપવા માટે કોર્ટમાં અરજી કરવમાં આવી હતી. કોર્ટે અરજદારની ઝાટકણી કાઢતા ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહને અરજદાર એડવોકેટ શ્રીકાંત પ્રસાદને કહ્યું કે, “શું તમને લાગે છે કે અદાલતો કલમ 226 [રિટ અધિકારક્ષેત્ર] હેઠળ સેન્સરશીપ લાદે છે? તમે પ્રેસની આઝાદી સામે ઓર્ડર માટે માંગ કરો છો? અમે કટોકટી લાદીએ, સેન્સરશિપ કે માર્શલ લો?”
અરજદાર શ્રીકાંત પ્રસાદે દલીલ કરી હતી કે મીડિયા કવરેજ અને ભારતીય જનતા પાર્ટી દિલ્હીના વડા વીરેન્દ્ર સચદેવાનો કેજરીવાલ સામે રાજકીય વિરોધ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અરજદારે રાજકીય વિરોધ અથવા નિવેદનો દ્વારા કેજરીવાલ પર રાજીનામું આપવા માટે સચદેવાના અનુચિત દબાણ ન કરે એવી માંગ કરી હતી.
જસ્ટિસ મનમોહન અને મનમીત પીએસ અરોરાની ખંડપીઠે કહ્યું કે કોર્ટ રાજકીય પ્રતિસ્પર્ધીઓને રેલીઓ યોજવાથી રોકવા અથવા કેજરીવાલના રાજીનામાની માંગ કરતા નિવેદનો કરતા રોકવા જેવા કટોકટીનાં પગલાં લાગુ કરી શકતી નથી. તેણે કેજરીવાલને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકાર ચલાવવા કરવાની મંજૂરી આપવાની પ્રસાદની વિનંતીને પણ નકારી કાઢી હતી.
બેન્ચે નોંધ્યું કે સુપ્રીમ કોર્ટ તેમની ધરપકડ સામે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહી છે. દિલ્હી હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે દિલ્હીના સીએમ પહેલેથી જ ED દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટ વચગાળાના જામીનના મુદ્દા પર વિચારણા કરી રહી છે. સીએમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીઓ સાથે વાતચીત કરવાની મંજૂરી આપી શકીએ નહીં.