રાહુલ ગાંધીથી વાયનાડ લોકસભા બેઠકના લોકો કેમ છે નારાજ?
નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતી છે. હવે એવી ચર્ચા છે કે રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડીને રાયબરેલી સીટ પોતાના માટે રાખી શકે છે. કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી આગામી 18મી લોકસભામાં બેમાંથી કઈ બેઠકનું પ્રતિનિધિત્વ કરશે તે ત્રણથી ચાર દિવસમાં નક્કી કરશે.
લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ એક વ્યક્તિ વધુમાં વધુ બે લોકસભા ચૂંટણી લડી શકે છે. જો કે, ઉમેદવાર માત્ર એક જ બેઠક જાળવી શકે છે અને પરિણામના 14 દિવસની અંદર બીજી બેઠક પરથી રાજીનામું આપવું પડશે. રાહુલ ગાંધીએ 17 જૂન પહેલા નિર્ણય લેવો પડશે કારણ કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 15 જૂનની આસપાસ શરૂ થવાની સંભાવના છે.
શનિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાયબરેલી કે વાયનાડ બેઠકના સાંસદ તરીકે રહેવું તે અંગે અસંમજસ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરળના સાંસદો જેમ કે કોડિકુનીલ સુરેશ, વાયનાડ સીટ પર રાહુલ રહે તેવીઈચ્છા ધરાવે છે. જ્યારે રાયબરેલી સીટ માટે વધુ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતા આરાધના મિશ્રાએ દલીલ કરી હતી કે રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે, જે પેઢીઓથી પસાર થઈ રહી છે અને રાહુલ ગાંધીએ તેને રાખવી જોઈએ. રાહુલને રાયબરેલી રાખવાના સૂચનો વધારે હોવાથી વાયનાડના મતદારો અને નેતાઓ નારાજ છે.અહીંથી રાહુલ જંગી બહુમતી સાથે બીજીવાર સાંસદ બન્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નેતાઓએ એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના રાજકીય ઉદ્ધાર માટે રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં લોકસભાની કુલ 80 બેઠકો છે.
રાહુલ ગાંધીને વાયનાડથી 647,445 મત અથવા કુલ મતદાનના 60% મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના એની રાજાને 283,023 (26% મતો) મળ્યા હતા. કોંગ્રેસના નેતાએ એની રાજાને 3,64,422 મતોથી હરાવ્યા છે. બીજી તરફ એવી ચર્ચા પણ છે કે રાયબરેલીની બેઠક પર ફરી ચૂંટણી થાય તો કૉંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી શકે છે, કારણ કે અહીંથી જીતની સંભાવના પૂરી છે. હવે 15 જૂન આસપાસ ખબર પડશે કે રાહુલ કઈ બેઠકના સાંસદ બનવાનું પસંદ કરશે.