Wayanad Landslides: મૃત્યુઆંક વધીને 158 થયો, ઘટના સ્થેળે જઈ રહેલા આરોગ્ય પ્રધાનને અકસ્માત નડ્યો
વાયનાડ: કેરળના વાયનાડમાં મંગળવારે વહેલી સવારે બનેલી ભૂસ્ખલનની ઘટના(Wayanad Landslides death toll)માં મૃત્યુઆંક 158 પર પહોંચ્યો છે, 128 ઘાયલ થયા છે, સેંકડો હજુ પણ લાપતા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે, એવામાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ‘ભારેથી અતિ ભારે વરસાદ’ની આગાહી કરી છે, વયનાડમાં વરસાદ પડશે તો રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.
ઘટના સ્થળની મુલાકાતે જઈ રહેલા કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ(Veena George)ના વાહનને અકસ્માત નડ્યો હતો, તેમણે સામાન્ય ઈજાઓ થઇ છે. તેમણે મંજેરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના અકસ્માત વિભાગમાં સારવાર આપાઈ રહી છે.
આજે 31 જુલાઈના રોજ કેરળમાં 30-40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે 1લી ઓગસ્ટે ‘ભારેથી અતિ ભારે વરસાદ’ની આગાહી કરી છે, જ્યારે 2જી ઓગસ્ટના રોજ રાજ્યમાં ‘ભારે’ વરસાદ થવાની સંભાવના છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરએ જણાવ્યું કે રાજ્યની સ્થિતિ ‘બદંતર અને ગંભીર’ છે. તેમણે કહ્યું કે સારું છે કે સંરક્ષણ દળો ત્યાં ખૂબ જ સક્રિય છે…NDRF પણ સ્થળ પર છે. અમે અમારાથી બને તેટલી મદદ પણ મોકલીએ છીએ. આ સરળ પરિસ્થિતિ નથી…એક્સેસ હજુ પણ મુશ્કેલ છે, સમસ્યાઓ ગંભીર છે.
કેરળથી આવતા કેન્દ્રીય પ્રધાન જ્યોર્જ કુરિયને પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને દુર્ઘટનામાંથી સુરક્ષિત બચેલા લોકોને રાહત શિબિરોમાં મળ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “અમે વાયનાડની સ્થિતિને ગંભીરતાથી લીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્યાં જશે. અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ચાલી રહેલા પુનર્વસન કાર્યમાં મદદ કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય આપત્તિ છે અને બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. મેં રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર તરફથી જેપી નડ્ડાએ પણ વચન આપ્યું હતું કે વાયનાડમાં લોકોને રાહત અને બચાવ માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં,”
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા 2023 માં બહાર પાડવામાં આવેલા ભૂસ્ખલન એટલાસ મુજબ, ભારતના 30 સૌથી વધુ ભૂસ્ખલન-સંભવિત જિલ્લાઓમાંથી 10 કેરળમાં સ્થિત હતા, જેમાં વાયનાડ 13મા ક્રમે છે.
Also Read –