દિલદાર દીકરીઃ ગુલ્લક તોડીને કેરળના મુખ્ય પ્રધાનને આપી દીધા પૈસા રાહત ફંડમાં
વાયનાડઃ કેરળનો આ વિસ્તાર ભયાનક ભૂસ્ખલનથી બરબાદ થઈ ગયો છે. આખા પરિવારોને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. 300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે જેમના જીવ બચ્યા છે તેમણે હવે નવેસરથી જીવન જીવવાનું અઘરું પડી રહ્યું છે. જીવન એટલી હદે વેર વિખેર થઈ ગયું છે કે જનતા હવે પોતાની સરકાર તરફ નજર નાખીને બેઠી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેક વચનો આપ્યા છે. મોટી સંખ્યામાં લોકો હજુ પણ રાહત શિબિરોમાં છે. સરકારને પણ મદદના હાથની જરૂર પડે છે ત્યારે સમૃદ્ધ લોકો તો હાથ લંબાવે જ પણ એવા લોકો પણ આગળ આવ્યા છે, જેમની પાસે પોતાના નિર્વાહ પૂરતું પણ માંડ છે. જેમની પાસે એટલા પૈસા નથી પણ મદદ કરવાનો ઘણો જુસ્સો છે.
મુખ્યમંત્રી રાહત ફંડે 13 ઓગસ્ટ સુધી 110.55 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. માહિતી આપવામાં આવી છે કે જે લોકોએ દાન આપ્યું છે તેમાં રોજમદાર મજૂરો, વિદ્યાર્થીઓ, વિધવાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. જે લોકો પોતાની રોજીંદી જરૂરિયાતો ઓછી કરીને મદદ માટે આગળ આવી રહ્યા છે. આવા લોકોમાં બે બહેનો પણ છે.
આ પણ વાંચો: PM Modi એ વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સમીક્ષા બેઠક યોજશે
શિવાનંદના અને શિવન્યા ચિય્યારામ. બન્ને બહેનો થ્રિસુરમાં ધોરણ 7 અને 1 માં અભ્યાસ કરે છે. બન્નેએ સાથે મળી 3,050 રૂપિયા મુખ્ય પ્રધાન રાહત ફંડમાં આપ્યા છે. આ બાળકીઓએ આખું વર્ષ પોતાની પિગી બેંકમાં જે નાણા ભેગા કર્યા છે તે આ છે અને તે તેમણે દાન કરી દીધા છે.
બાળકીઓની માતા કહે છે કે મારી એક દીકરી કહેતી હતી કે આ પૈસામાંથી આપણે ટીવી લઈશું અને નાની દીકરીને સાયકલ લેવી હતી, પરંતુ તેમણે જ્યારે વાયનાડમાં લોકોની સ્થિતિ વિશે જાણ્યું ત્યારે તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે આ પૈસા તેમને આપવા છે. આથી અમે તેમની ઈચ્છા પૂરી કરી.
માત્ર આ બહેનો નહીં, આવા કેટલાય લોકો છે જે પોતાની પાસે જે થોડું છે તેમાંથી થોડું આપી રહ્યા છે, ત્યારે સરકારી એજન્સીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ પૈસા જરૂરિયાતમંદોને મળે અને કોઈ ચાંઉ ન કરી જાય.