ગુરુગ્રામમાં જળબંબાકાર: બિયર ભરેલો ટ્રક ખાડામાં ખાબક્યો, ‘વર્ક ફ્રોમ હોમ’ના આદેશ

નવી દિલ્હી: દેશભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ગુરુગ્રામમાં રાતભરના વરસાદે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે લોકો ઘણાં કલાકો સુધી જામમાં ફસાયા. જ્યારે સદર્ન પેરિફેરલ રોડ વરસાદથી ધોવાતા મસ મોટો ખાડો પડ્યો હતો. આ ખાડામાં એક ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. જોકે, એનો વીડિયો સાથે તસવીરો પણ વાયરલ થઈ હતી.
ગુરુગ્રામના સદર્ન પેરિફેરલ રોડ પર બુધવારે રાત્રે એક ટ્રક ખાડામાં ફસાયો હતો, કારણ કે વરસાદથી રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો. આ ટ્રક બીયરની બોટલો ભરેલી હતી. જે ગોડાઉન તરફ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના અહેવાલ મળી રહ્યા નથી. જ્યારે શહેરમાં 12 કલાકમાં 133 મિમી વરસાદ નોંધાયો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયું.
આ પણ વાંચો: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર, AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન
‘વર્ક ફ્રોમ હોમ’ની સૂચના આપી
ભારે વરસાદના કારણે ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને 10 જુલાઈ 2025 માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. પ્રશાસને ખાનગી અને કોર્પોરેટ સંસ્થાઓને કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધા આપવાની સૂચના આપી. શહેરના સેક્ટર 37, નરસિંહપુર, દૌલતાબાદ, સુશાંત લોક, સેક્ટર 104 અને બસઈ જેવા વિસ્તારોમાં જળબંબાકારથી ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ વધ્યું છે, કારણ કે ડ્રેનેજ લાઇન બંધ થઈ ગઈ.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં કાદીપુર, હરસરુ, વજીરાબાદ અને બાદશાહપુરમાં 8થી 11 મિમી વરસાદ નોંધાયો. બુધવારે રાત્રે ઝડપી વરસાદે ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખી. સદર બજાર, સેક્ટર 31, ઓલ્ડ દિલ્હી રોડ અને દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર વાહનોની લાંબી કતારો લાગી.
ઘણી જગ્યાએ 2-3 ફૂટ પાણી ભરાયું, જેના કારણે વાહનો બંધ થયાં. નગર નિગમ અને GMDAની જળભરાવ નિવારણની વ્યવસ્થાની નિષ્ફળતા સામે આવી, જેનાથી દિલ્હી-જયપુર હાઇવે અને નરસિંહપુર સર્વિસ રોડ પર લાંબા જામ થયા.