D2M પાયલાટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ઈન્ટરનેટ વગર ફોન પર જોઈ શકાશે ટીવી…..
નવી દિલ્હી: ડાયરેક્ટ ટુ મોબાઈલનો પાયલટ પ્રોજેક્ટ ખૂબજ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય ટૂંક સમયમાં જ ભારતના 19 શહેરોમાં આ પ્રોજેક્ટને શરૂ કરે તેવી સંભાવના છે. જો કે હાલમાં પાયલટ પ્રોજેક્ટ અંગેની વાતચીત પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ શું તમે જાણો છો D2M દ્વારા શું ફાયદા થઈ શકે છે? D2Mમાં મલ્ટીમીડિયા કન્ટેન્ટ ડેટા વિના પ્રસારિત થાય છે જેના કારણે તમે તમારા મોબાઈલ પર લાઈવ ટીવી, મૂવી વગેરે ફ્રીમાં જોઈ શકો છો.
માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે 19 શહેરોમાં પાયલટ D2M બ્રોડકાસ્ટિંગ પ્રોજેક્ટ માટે વાતચીત ચાલુ છે. પ્રસાર ભારતીના ડિજિટલ ટેરેસ્ટ્રીયલ ટ્રાન્સમિશન નેટવર્કનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ પ્રસાર ભારતીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સીધો મોબાઈલ પર ટેસ્ટ કરવામાં આવશે. પ્રસારણ સચિવ ચંદ્રાએ જણાવ્યું હતું કે જો કે આ પ્રોજેક્ટમાં ઘણા પડકારો છે જેમાં એક છે ટેલિકોમ કંપનીઓનો વિરોધ છે. આ ઉપરાંત મોબાઈલ ફોન માટે એક ચિપ રાખવી જરૂરી છે. આથી ફોનમાં પણ ઘણા ફેરફાર કરવા પડશે. જો કે અત્યારે આ એક પાયલટ પ્રોજેક્ટ છે. જો પ્રોજેક્ટ સફળ થાય છે, તો મોબાઇલ કંપનીઓએ તેમના સ્માર્ટફોનમાં એક ચિપ ઇન્સ્ટોલ કરવી પડશે જેના દ્વારા મલ્ટીમીડિયા સામગ્રીનું પ્રસારણ કરવામાં આવશે. એક વરિષ્ઠ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટે મિન્ટને જણાવ્યું હતું કે ડાયરેક્ટ ટુ મોબાઈલના કારણે ટેલિકોમ કંપનીઓને સીધું નુકસાન થશે કારણ કે આ પ્રોજેક્ટ સફળ થયો તો સબસ્ક્રિપ્શન વાળી સિસ્ટમ બંધ થઈ જશે. જેના કારણે કંપનીઓની આવકમાં સીધો ફરક પડશે. અને આથી જ ટેલિકોમ કંપનીઓ તેમજ ચિપ નિર્માતાઓએ તેનો વિરોધ કર્યો છે.