ઉદય કોટકની આર્થિક મોરચે મોટી ઉથલપાથલની ચેતવણી, લોકોને આપી આ સલાહ
વિશ્વ ગંભીર આર્થિક સંકટ તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે, એક તરફ રશિયા અને યુક્રેન યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી સર્જાઈ છે. જેના કારણે ક્રુડના ભાવમાં ભડકાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉદય કોટકે આર્થિક મોરચે મોટી ઉથલપાથલની ચેતવણી આપી છે.
દિગ્ગજ બેન્કર ઉદય કોટકે વૈશ્વિક ઉથલપાથલ માટે તૈયાર રહેવા જણાવ્યું છે, આ સાથે જ તેમણે સમજદારીપૂર્વક ખર્ચ અને રોકાણ કરવાની વાત કરી છે. ઉદય કોટકના મતે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 90 ડોલર હોવાથી ફુગાવો લાંબા સમય સુધી ઉંચો રહેવાની શક્યતા છે. આના કારણે વિશ્વભરમાં વ્યાજદર ઊંચા રહી શકે છે. ભારતમાં પણ આ જ પ્રકારનું વલણ જોવા મળી શકે છે. કોટક મહિન્દ્રા બેંકના સ્થાપકે પણ કહ્યું કે આનું એક અણધાર્યું કારણ ચીનમાં આર્થિક મંદી છે.
ઉદય કોટકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે યુએસ ફેડરલ રિઝર્વ અમેરિકામાં વધતી મોંઘવારીથી ચિંતિત છે. આ જ કારણ છે કે તમામ અપેક્ષાઓ છતાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડો કર્યો નથી. તેની વૈશ્વિક અસર ટૂંક સમયમાં જોવા મળશે. ઉદય કોટકના મતે, અત્યારે દરેક પાસે એકમાત્ર વાઈલ્ડ કાર્ડ છે તે ચીનની આર્થિક સ્થિતી નબળી પડવી તે છે. આવી સ્થિતિમાં આપણે બધાએ વૈશ્વિક ઉથલપાથલ માટે તૈયાર થઈ જવું જોઈએ.
કોટકની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક પુરવઠાના ઝટકાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ 90 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. મેક્સિકો જેવા કેટલાક ઉત્પાદકોએ પણ કાચા તેલની નિકાસમાં ઘટાડો કર્યો છે.
અમેરિકા આ વર્ષના અંતમાં ચૂંટણી પહેલા તેના વ્યૂહાત્મક અનામતને ફરીથી ભરવા માંગે છે, જે યુક્રેન પર રશિયન આક્રમણ દરમિયાન આંશિક રીતે ઘટી ગયો હતા. કોટકના મતે આરબીઆઈ વ્યાજ દરો સ્થિર રાખીને ફુગાવા સામે લડવાનો પ્રયાસ કરી રહી છે, નાણાકીય વર્ષ 2025માં ભારતનો જીડીપી 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.