
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. બુધવારે પણ આ મામલે સુનાવણી થઈ હતી. CJI સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે ‘વક્ફ બાય યુઝર’ના મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા અમુક જોગવાઈઓ પર વચગાળાના આદેશો જારી કરીને, કેન્દ્ર સરકારની કાર્યવાહી પર કેટલાક ખૂબ જ જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ સરકાર હવે નવા કાયદાના કેટલાક ભાગો લાગુ કરી શકશે નહીં.
આપણ વાંચો: વકફ કાયદા કેસમા સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ , સરકારને સાત દિવસમા જવાબ રજૂ કરવા તાકીદ
સરકારને 7 દિવસની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ
પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) અધિનિયમ 2025 ની કેટલીક જોગવાઈઓ પર વચગાળાનો આદેશ જારી કર્યો છે, જેમાં કેન્દ્ર સરકારની કાર્યવાહી પર કેટલાક ખૂબ જ જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ સરકાર હવે નવા કાયદાના કેટલાક ભાગો લાગુ કરી શકશે નહીં.
કોર્ટે સરકારને 7 દિવસની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, અને આગામી સુનાવણી 5 મે, 2025 ના રોજ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કેટલાક દસ્તાવેજો સાથે પ્રારંભિક જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપવા વિનંતી કરી હતી, ત્યારબાદ કોર્ટે તેમને સમય આપ્યો હતો.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને આ 3 આકરાં સવાલો પૂછ્યા
વચગાળાના આદેશમાં કઈ બાબતનો સમાવેશ?
વકફ બોર્ડમાં નિમણૂક પર રોક
નવા કાયદાની જોગવાઈઓ હેઠળ, વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક સહિત કોઈપણ નવા ફેરફારો હાલમાં શક્ય બનશે નહીં.
વકફ સંપતિના બદલાવ પર રોક
આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો છે કે ‘વકફ-બાય-યુઝર’ અથવા ‘વકફ-બાય-ડીડ’ હેઠળ જાહેર કરાયેલ કોઈપણ સંપતિનો વકફ દરજ્જો દૂર કરી શકાશે નહીં. એટલે કે આવી મિલકતોને સરકારી જમીન તરીકે જાહેર કરવાની અથવા તેમની માલિકીમાં કોઈપણ ફેરફાર કરવાની પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટની તપાસ પર રોક
નવા કાયદામાં એવી જોગવાઈ છે કે વકફ સંપતિ અંગે વિવાદના કિસ્સામાં, જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને વકફ સંપતિ તરીકે સ્વીકારશે નહીં. કોર્ટે આ જોગવાઈના અમલીકરણ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે, જેના કારણે આવી મિલકતોની સ્થિતિ જેમની તેમ રહેશે.
આપણ વાંચો: ‘જ્યારે અમે બેન્ચ પર બેસીએ છીએ, ત્યારે અમારો ધર્મ…’, વકફ મામલે CJIએ સરકારને આવું કેમ કહ્યું?
યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ
કોર્ટે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલના હાલના માળખામાં અને વકફ મિલકતોની સ્થિતિમાં કોઈપણ ફેરફાર પર પ્રતિબંધ મૂકતા યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપ્યો છે.
શુ છે અરજદારોની માંગ?
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાયદાની માન્યતાને પડકારતી 72 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમિયત ઉલેમા-એ-હિંદ, ડીએમકે, કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદની અરજીઓનો સમાવેશ થાય છે. અરજદારોનો દલીલ છે કે આ કાયદો બંધારણના અનુચ્છેદ 4, 15, 25, 26 અને 300-Aનું ઉલ્લંઘન કરે છે. વિપક્ષે તેને ગેરબંધારણીય અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું અને તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.