નેશનલ

વકફ બિલ મુદ્દે ઘમાસાણ યથાવત; બિલને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે

નવી દિલ્હી: દેશમાં બહુચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઇકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વકફ (સુધારા) બિલને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી અને આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. વિપક્ષે આ બિલનો હેતુ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે વિરોધ પક્ષોએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગ કરી છે.

બંધારણે જે આપ્યું છે તે છીનવી લેવાનો પ્રયાસ

પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, “આ બિલમાં સુધારા કરતાં શંકા વધુ છે; ન્યાય ઓછો અને પક્ષપાત વધુ છે. આ બિલ બંધારણે જે આપ્યું છે તે છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આને સુધારો ઓછો અને ષડયંત્ર વધુ કહેવું જોઈએ. જ્યારે કાયદો સમાન ન હોય ત્યારે તે સત્તાનો ઉપયોગ બની જાય છે. આ કોઈ કાયદો નથી, પણ કાયદાની ભાષામાં લપેટાયેલી મનસ્વીતા છે.

વકફ બિલને કોંગ્રેસ સુપ્રીમમાં પડકારશે

પ્રાપ્ત વિગતો અનુસાર લોકસભા બાદ વક્ફ બોર્ડ (સુધારા) બિલ 2025 રાજ્યસભા દ્વારા પણ પસાર કરવામાં આવ્યું છે. સંસદનાં બંને ગૃહમાં બિલની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષે ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સહિત અનેક પાર્ટીનાં વિરોધની વચ્ચે બિલને પસાર કરવામાં આવ્યું હતું. જો કે મામલે કોંગ્રેસનું વલણ જુદું છે અને તેમણે આ બિલની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાની અને તેની બંધારણીય માન્યતાને પડકારવાની જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી છે.

આ પણ વાંચો : ‘હું સંસદમાં નથી, નહીં તો..’ વક્ફ બિલ પર ચર્ચા વચ્ચે લાલુ પ્રસાદ યાદવનું નિવેદન

અનેક બિલને પડકાર્યા

તેમણે કહ્યું, “અમને વિશ્વાસ છે અને ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પ્રથાઓ પર મોદી સરકાર દ્વારા કરવામાં આવતા તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું.” આ દરમિયાન જયરામ રમેશે એ પણ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસ નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 ને સુપ્રીમ કોર્ટમાં પડકારી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસે 2019 માં RTI કાયદા, 2005 માં કરવામાં આવેલા સુધારાઓને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. કોંગ્રેસે ચૂંટણી નિયમો (2024) માં કરવામાં આવેલા સુધારાઓની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

આ પણ વાંચો :રાજ્યસભામાં વક્ફ બિલ મુદ્દે ‘ધમાસાણ’: વોટિંગ પૂર્વે આ પાર્ટીએ બદલ્યું પોતાનું ‘સ્ટેન્ડ’

બિલને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે

અગાઉ, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વકફ બિલને મુસ્લિમો વિરુદ્ધ ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે આ બિલ લઘુમતીઓને નષ્ટ કરવા માટે લાવવામાં આવ્યું છે. ખડગેએ કહ્યું કે દેશમાં એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે કે આ બિલ લઘુમતીઓને હેરાન કરવા માટે લાવવામાં આવ્યું છે. આ સાથે તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી કે આ બિલને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે અને સરકારે તેને પાછું ખેંચવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button