ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યસભામાં વક્ફ બિલ મુદ્દે ‘ધમાસાણ’: વોટિંગ પૂર્વે આ પાર્ટીએ બદલ્યું પોતાનું ‘સ્ટેન્ડ’

નવી દિલ્હીઃ રાજ્યસભામાં વક્ફ સંશોધિત બિલ મુદ્દે ગૃહના સભ્યો દ્વારા આમનેસામને આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે બિલ પાસ કર્યાના વોટિંગ પૂર્વે ઓડિશાની ટોચની પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ બદલતા બિલને પાસ થવાની શક્યતા બળવત્તર બની છે. ઓડિશાના બીજુ જનતા દળ (બીજેડી)એ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીએ વક્ફ બિલ મુદ્દે કોઈ વ્હિપ જારી કર્યો નથી અને રાજ્યસભામાં પોતાના સાંસદ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને મતદાન કરી શકે છે, જ્યારે આ અગાઉ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો.

મતદાન કરવાની સ્વતંત્રતા આપી

વક્ફ સંશોધિત બિલ, 2024નો ઓડિશાના પૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (BJD)એ પોતાના વલણમાં ફેરફાર કર્યો છે. આ અગાઉ પાર્ટીએ બિલનો વિરોધ કર્યો હતો. બિલનો વિરોધ કરનારી પાર્ટીએ પોતાના સાંસદોને સ્વતંક્ષ રીતે નિર્ણય લેવાની મંજૂરી આપી છે. બીજેડીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીએ આ બિલ પર કોઈ વ્હિપ જારી કર્યો નથી અને રાજ્યસભાના સાંસદોએ પોતાની મેળે મતદાન કરવાની મંજૂરી આપી છે.

પહેલા વિરોધ પછી હવે તટસ્થ વલણ

બીજુ જનતા દળે આ અગાઉ બિલનો વિરોધ કર્યો હતો અને લઘુમતીઓના હિત વિરોધી ગણાવ્યું હતું, પરંતુ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે અચાનક પાર્ટીએ સ્વૈચ્છિક મતદાન કરવાની છૂટ આપીને મોટો ઘટસ્ફોટ કર્યો છે.

સોશિયલ મીડિયા પર પાર્ટીએ કરી સ્પષ્ટતા

બીજુ જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તાએ એક્સ પર સત્તાવાર રીતે લખ્યું છે બીજુ જનતા દળ હંમેશાં ધર્મનિરપેક્ષતા અને સમાવેશિતાના સિદ્ધાંતોનો પાલન કર્યું છે, તેનાથી તમામ સમુદાયોના અધિકારોની રક્ષા થઈ શકે. અમે લઘુમતી સમુદાયોના વિભિન્ન વર્ગો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓનું સન્માન કરીએ છીએ અને તેમના વિચારોને ધ્યાનમાં રાખીને અમે અમારા તમામ માનનીય સાંસદોને આ નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી છે કે તેઓ ન્યાય, સદ્ભાવ અને તમામ સમુદાયોના અધિકારોને સર્વોત્તમ હિતમાં મતદાન કરે. અમે આ મુદ્દે કોઈ વ્હિપ જારી કર્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button