
નવી દિલ્હી: 4 એપ્રિલ, 2025 શુક્રવારના રોજ સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી, તેના બદલે તેનો હેતુ ફક્ત વકફ મિલકતોના વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે, જ્યારે વિપક્ષે આ બિલનો હેતુ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
સત્તાધારી અને વિરોધ પક્ષનું અંતર નજીવું
લોકસભાની સરખામણીમાં ઉપલા ગૃહમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચેનું અંતર ઘણું ઓછું રહ્યું હતું. લોકસભામાં આ બિલને આશરે 55 મતોના માર્જિનથી પસાર કરવામાં આવ્યું હતું પરંતુ આ અંતર રાજ્યસભામાં 33 મતોનું રહ્યું હતું. અગાઉ, વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોના સમાવેશ અંગેની કલમ વિરુદ્ધ એક સુધારો ડીએમકે સાંસદ તિરુચી શિવાએ રજૂ કર્યો હતો, જેને નકારી દેવામાં આવ્યો હતો, તેની વિરુદ્ધ 125 મત અને તરફેણમાં 92 મત પડ્યા હતા.
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ બનશે કાયદો
દેશમાં જે લાંબા સમયથી ચર્ચા અને વિવાદનો મુદ્દો બન્યો હતો તે વકફ (સુધારા) બિલ 2025ને સંસદનાં બંને ગૃહમાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં પસાર થયા બાદ આ બિલને ગુરુવાર 3 એપ્રીલનાં રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના પર લાંબી ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચર્ચા બાદ શુક્રવારે બિલ પર મતદાન થયું જેમાં 128 સાંસદોએ બિલના સમર્થનમાં મતદાન કર્યું અને 95 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. હવે આ સંશોધન ખરડાને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરીની રાહ જોવાની રહેશે.
આ પણ વાંચો : ભાજપે વકફ બિલને બુલડોઝરથી પસાર કરાવ્યું.. સોનિયા ગાંધીનાં સરકાર પર પ્રહાર…
વકફ બિલને મંજૂરી મહત્વપૂર્ણ ક્ષણ
આ બિલ બંને ગૃહમાં પસાર થઈ જતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, સંસદના બંને ગૃહોમાં વકફ (સુધારા) બિલને પસાર થવું એ સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવેશી વિકાસ માટેની આપણી સામૂહિક શોધમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ ખાસ કરીને તે લોકોને મદદરૂપ સાબિત થશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં રહ્યા છે, આમ તેમનો અવાજ અને તક બંનેથી વંચિત રહ્યા છે.
આ પણ વાંચો :રાજ્યસભામાં વક્ફ બિલ મુદ્દે ‘ધમાસાણ’: વોટિંગ પૂર્વે આ પાર્ટીએ બદલ્યું પોતાનું ‘સ્ટેન્ડ’
વર્ષો સુધી પારદર્શિતાના અભાવનો પર્યાય
તેમણે આગળ કહ્યું કે દાયકાઓ સુધી, વકફ વ્યવસ્થા પારદર્શિતા અને જવાબદારીના અભાવનો પર્યાય બની રહી. આનાથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમો, પાસમંદા મુસ્લિમોના હિતોને નુકસાન થયું. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ પારદર્શિતાને વેગ આપશે અને લોકોના અધિકારોનું રક્ષણ પણ કરશે. આપણે હવે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં માળખું વધુ આધુનિક અને સામાજિક ન્યાય પ્રત્યે સંવેદનશીલ હશે. આપણે દરેક નાગરિકના ગૌરવને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.