ચપ્પલ, અન્ડરવેર પર ભગવાન ગણેશની તસવીરથી વિવાદોમાં ઘેરાઈ અમેરિકન કંપની; હિંદુ સમુદાયનો આકરો વિરોધ…
વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ હાલ હિંદુ સમુદાયના રોષનો ભોગ બની છે. તેનું કારણ છે વોલમાર્ટની અમુક પ્રોડક્ટ્સ કે જેના પર ભગવાન ગણેશની તસવીરો છપાયેલી છે. આ ઉત્પાદનો એટલા માટે વિરોધનો ભોગ બન્યા કારણ કે ચપ્પલ, અન્ડરગાર્મેન્ટ્સ અને સ્વિમસ્યુટ વગેરે પર ભગવાન ગણેશના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખૂબ જ વિરોધ થયો હતો.
આ પણ વાંચો : Champions Trophy મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનની દખલ કરી, આ મામલે PCBના વખાણ કર્યા
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કરી નિંદા
અમેરિકામાં હિન્દુ સમુદાયના અધિકારો માટેની સંસ્થા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ ઉત્પાદનોની સખત નિંદા કરી છે. ફાઉન્ડેશને ટ્વિટર પર લખ્યું, “પ્રિય @Walmart: અનાદર ક્યારેય ફેશન ન હોઈ શકે. ભગવાન ગણેશ જેવા હિન્દુ દેવતાઓ એક અબજ કરતા વધુ અનુયાયીઓ માટે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ચપ્પલ અને સ્વિમસ્યુટ જેવા ઉત્પાદનો પર તેમની છબીઓ છાપવી એ અત્યંત અપમાનજનક છે.”
વિરોધ બાદ વોલમાર્ટે હટાવ્યા ઉત્પાદન
હિંદુ સમુદાયના આકરા વિરોધ બાદ વોલમાર્ટે તેના સ્ટોર્સમાંથી ભગવાન ગણેશની તસવીર સાથેના 74 પ્રકારના અન્ડરવેરને હટાવી લીધા છે. હિન્દુ સંગઠનોએ આ પ્રોડક્ટને ‘અત્યંત અયોગ્ય’ ગણાવીને વિરોધ કર્યો હતો. યુનિવર્સલ સોસાયટી ઑફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે આ વિરોધનું નેતૃત્વ કર્યું હતું. વોલમાર્ટે હિન્દુ સમુદાયના આકરા વિરોધ બાદ લોકોની ભાવનાઓને સમજીને આ પ્રોડક્ટ હટાવવાનો નિર્ણય લીધો છે.”
યુઝર્સે વ્યક્ત કર્યા આકરા પ્રતિભાવ
આ અંગે સોશિયલ મીડિયા પર યુઝર્સે ખૂબ જ આકારો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એક યુઝર્સે લખ્યું “અયોગ્ય વસ્તુઓ પર ભગવાન ગણેશ જેવા પવિત્ર પ્રતીકોનો ઉપયોગ ‘સર્જનાત્મકતા’ નથી, તે અપમાનજનક છે. સંસ્કૃતિ અને માન્યતાઓ માટે આદર એ કોઈ વલણ નથી; તે મૂળભૂત અપેક્ષા છે. વધુ સારું કરો, વોલમાર્ટ.”
આ પણ વાંચો : LICએ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી ખાસ સ્કીમ, જાણો શું મળશે લાભ?
અન્ય એક યુઝર્સે લખ્યું: “શું વોલમાર્ટના કોઈ વ્યક્તિને લાગ્યું નહિ કે ભગવાન ગણેશને ચપ્પલ અને બિકીની પહેરવાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચશે? આ કોઈ ભૂલ હોય તેવું લાગતું નથી. આ સીધી રીતે કરવામાં આવેલું અપમાન છે.”