
સાગર: મધ્યપ્રદેશના સાગરમાં રવિવારે એક મોટી દુર્ઘટના (Wall collapse in Madhya Pradesh) બની હતી, એક મંદિર પાસેની દિવાલ ધરાશાયી થતાં લગભગ 9 બાળકોના મોત થયા હતા. અહેવાલ મુજબ મૃતક બાળકોની ઉંમર 9 થી 15 વર્ષની હતી. ચાર બાળકો ઘાયલ છે અને તેમની હાલત ગંભીર છે. આ ઘટના રાહલી વિધાનસભા ક્ષેત્રમાં આવેલા શાહપુર ગામમાં બની હતી. મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, દરમિયાન દીવાલ ધરાશાયી થઇ હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, સવારે 10 વાગ્યાના સુમારે શિવલિંગ નિર્માણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રવિવારની રજા હોવાથી બાળકો પણ શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા. જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તે સ્થળે મંદિર સંકુલની બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કેટલાક બાળકો દટાયા હતા.
આ પણ વાંચો : 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો
જેસીબીથી કાટમાળ હટાવીને મૃતદેહો અને ઘાયલ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિવાલ લગભગ 50 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ રાહલી વિધાનસભાના વિધાનસભ્ય અને પૂર્વ પ્રધાન ગોપાલ ભાર્ગવ પણ શાહપુર પહોંચી ગયા હતા.
કલેક્ટર જણાવ્યું કે, બાળકો સ્થળ પર બનાવેલા ટેન્ટમાં હતા. ત્યારે અચાનક મંદિર પરિસરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ કેટલાક વધુ બાળકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા, જ્યારે કેટલાક હોસ્પિટલ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા. કુલ 9 બાળકોના મોત થયા છે.
સીએમ મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ઘાયલ બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. મૃતક બાળકોના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના. હું અકસ્માતમાં ઘાયલ અન્ય બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. માસૂમ બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.