નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણીના એક માત્ર તબક્કા અને ઝારખંડ વિધાસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. આ ઉપરાંત, આજે 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકની પેટાચૂંટણી (By election) માટે પણ મતદાન થઇ રહ્યું છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
યુપીની 9 વિધાનસભા બેઠકો, પંજાબની 4 વિધાનસભા બેઠકો, કેરળની એક વિધાનસભા બેઠક, ઉત્તરાખંડની એક વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. આ 15 વિધાનસભા બેઠકોમાંથી 13 બેઠકો વિધાનસભ્યોના સાંસદ બનવાને કારણે ખાલી પડી હતી. એક બેઠક નેતાના અવસાન થાવને કારણે તથા એક બેઠક નેતાના જેલમાં જવાના કારણે ખાલી પડી હતી.
આ 15 બેઠકોમાંથી ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) પાસે 4-4 અને AAP, રાષ્ટ્રીય લોકદળ (RLD) અને નિષાદ પાર્ટીને 1-1 બેઠક મળી હતી.
ઉત્તર પ્રદેશની આં 9 બેઠકો પર પેટાચૂંટણી:
કરહાલ (મૈનપુરી), સિસમાઉ (કાનપુર), કટેહરી (આંબેડકરનગર), કુંદરકી (મુરાદાબાદ), મીરાપુર (મુઝફ્ફરનગર), ગાઝિયાબાદ, ફુલપુર (પ્રયાગરાજ), ખેર (અલીગઢ), મઝવાન (મિર્ઝાપુર).
પંજાબની આ 4 બેઠકો પર પેટાચૂંટણી:
ગીદરબાહા (મુક્તસર), ડેરા બાબા નાનક (ગુરદાસપુર), ચબ્બેવાલ (હોશિયારપુર), બર્નાલા (બરનાલા).
આ ઉપરાંત કેરળની પલક્કડ, ઉત્તરાખંડની કેદારનાથ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર મતદાન થઇ રહ્યું છે.
Also Read – Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, મહાયુતિ-એમવીએ વચ્ચે કાંટાની ટક્કર
નાંદેડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી કેમ યોજાઈ રહી છે?
મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ કોંગ્રેસના સાંસદ વસંતરાવ ચવ્હાણના નિધનને કારણે ખાલી થઈ છે. ઓગસ્ટ 2024માં તેમનું અવસાન થયું હતું. કોંગ્રેસે આ બેઠક પર તેમના પુત્ર રવિન્દ્ર ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપ તરફથી ડો.સંતુક હુંબરડે મેદાનમાં છે.
અગાઉ પહેલા 3 રાજ્યોની 14 સીટો પર 13 નવેમ્બરે મતદાન થવાનું હતું, પરંતુ તહેવારોને કારણે ચૂંટણી પંચે તારીખ બદલી નાખી હતી. તેથી આ પેટાચૂંટણીઓ આજે એટલે કે 20મી નવેમ્બરે યોજાઈ રહી છે.