
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યની 88 બેઠક પર આજે મતદાન પૂરું થયું હતું. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્ય પ્રદેશની બૈતુલ બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારના નિધનને કારણે 88 બેઠક પર ચૂંટણી થઈ હતી, જ્યારે આ અહીંની બેઠક પર 1,198 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 1,097 પુરુષ અને 100 મહિલા છે, જ્યારે એક ઉમેદવાર થર્ડ જેન્ડર હતા.
લોકસભાની બીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું હતું, જેમાં પૂર્વના રાજ્યમાં વધુ મતદાન થયું હતું. બીજી બાજુ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં ઓછું મતદાન થયું હતું. મણિપુરમાં 76 ટકા, ત્રિપુરામાં 76.23 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં 52.64 ટકા વોટિંગ થયું હતું.
પહેલા બે તબક્કાનું મતદાન પૂરું થયું છે, જ્યારે બાકી પાંચ તબક્કા બાકી છે, ત્યારે ચોથી જૂનના ચૂંટણીના પરિણામો નવી સરકાર કોની બનશે એ જોવાનું રહેશે, પરંતુ ભૂતકાળની ચૂંટણીમાં તો સત્તાધારી પાર્ટી નિરંતર આગેકૂચ કરતી રહી છે, જ્યારે વિપક્ષી પાર્ટીની સ્થિતિ દરેક ચૂંટણીમાં કથળતી રહી હતી. લોકસભાની ચૂંટણીમાં આ વખતે પણ સત્તાધારી પાર્ટી ભાજપ માટે મહારાષ્ટ્રથી લઈને કર્ણાટકમાં સમીકરણો બદલાઈ રહ્યા છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં જે 88 બેઠક પર ચૂંટણી થઈ ત્યાં ભારતીય જનતા પાર્ટી ખૂદ 52 સીટ જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસે 18 બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે અન્ય પાર્ટીને અઢાર બેઠક મળી હતી. એમાંથી સાત સીટમાં સહયોગી પાર્ટીનો સાથ મળ્યો છે. 11 સીટ કોંગ્રેસના સહયોગી અને અન્ય વિપક્ષી દળોને મળી હતી. આમ છતાં આ વખતની ચૂંટણીમાં પરિસ્થિતિ બદલાઈ રહી છે, જે રસપ્રદ છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ 13 રાજ્યની 88 બેઠક પર સરેરાશ 64.35 ટકા મતદાન
બીજો તબક્કો રાજકીય પાર્ટી માટે કિલ્લાસમાન છે, જેમાં 88 સીટમાંથી 34 સીટ એવી છે, જ્યાં છેલ્લી ત્રણ લોકસભામાં એક જ પાર્ટીનો કબજો હતો. બીજી બાજુ 54 બેઠક બદલાતી રહી, જેમાં અમુક સીટ પર બે વખતથી વધુ કોઈ પાર્ટીનો કબજો રહ્યો છે, જ્યારે અમુક બેઠક પર સાંસદ પણ બદલાતા રહ્યા છે, તેથી બીજા તબક્કામાં 54 બેઠક જે કોઈ પાર્ટીનું ભાવિ આગામી દિવસોમાં નક્કી કરશે એટલું ચોક્કસ કહી શકાય.
બીજી મહત્ત્વની વાત કરીએ તો બીજા તબક્કાની 88 સીટમાંથી 2009માં ભાજપે 26 સીટ જીતી હતી, પરંતુ 2014માં પાર્ટીની સીટ વધીને 42 થઈ હતી, ત્યારબાદ 2019માં લોકસભાની સીટમાં બાવન બેઠક પહોંચી હતી. બીજી બાજુ વિપક્ષી કોંગ્રેસ પાર્ટી 2009માં 37 સીટ હતી, જ્યારે 2014માં 20 સીટ થઈ હતી, પરંતુ 2019ની ચૂંટણીમાં અઢાર બેઠક મળી હતી.
2009થી 2019 વચ્ચે ભાજપની જીતની આગેકૂચ વધી હતી, જ્યારે કોંગ્રેસનું પ્રભુત્વ ઘટી ગયું હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 69 સીટ પર લડી રહી છે, જ્યારે કોંગ્રેસ 68 સીટ પર નસીબ અજમાવ્યું છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનના પક્ષોને જોઈએ તો એકનાથ શિંદેવાળી શિવસેના ત્રણ બેઠક પર લડી રહી છે. જેડેયુ ચાર બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે એા સિવાય આરએસપીએસ એક સીટ અને જેડીએસ ત્રણ બેઠક પર ચૂંટણી લડી રહી છે.
કોંગ્રેસના નેતૃત્વના I.N.D.I.A. ગઠબંધનની વિવિધ પાર્ટી જોઈએ તો આરજેડી (2), સપા (ચાર), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (બે બેઠક), આરસીપી (1), કેસીએમ (એક), એનસીપી (1), ઉદ્ધવ ઠાકરેની શિવસેના ચાર સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે 72 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાંથી 56માંથી 40 ટકાથી વધુ વોટનો હિસ્સો મળ્યો હતો, જ્યારે કોંગ્રેસને 26 સીટમાંથી 40 ટકાથી વધુ વોટ મળ્યા હતા. એના સિવાય 23 સીટ પર 30થી 40 ટકા વોટનો હિસ્સો હતો.
બીજા તબક્કાના મતદાનમાં આસામની પાંચ, બિહારની પાંચ, છત્તીસગઢની ત્રણ, કર્ણાટકની 14, કેરળની 20, મધ્ય પ્રદેશની છ, મહારાષ્ટ્રની આઠ, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની આઠ, બંગાળની ત્રણ અને જમ્મુ કાશ્મીરની એક, મણિપુર-ત્રિપુરાની એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 102 લોકસભાની સીટ પર સરેરાશ 60.03 ટકા મતદાન થયું હતું.