ચૂંટણી પંચ પર મતદારોનો વિશ્વાસ ઘટ્યોઃ સર્વેમાં ચોંકાવનારા તારણો

નવી દિલ્હીઃ Lokniti-Centre for the Study of Developing Societies (CSDS) દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર ભારતના નાગરિકોનો ચૂંટણી પંચ પરથી ભરોસો ઓછો થતો જાય છે. 2019માં અડધો અડધ મતદારોનો ચૂંટણી પંચ પર પૂરો ભરોસો હતો જ્યારે હાલમાં થયેલા સર્વેમાં માત્ર 28 ટકા લોકોને પંચ પર ભરોસો રહ્યો છે, આ આંકડો 2019માં 51 ટકા હતો. તેમ એક અહેવાલ જણાવે છે.
ગયા પાંચ વર્ષમાં જેમને પંચ પર સાવ વિશ્વાસ નથી અથવા તો થોડોઘણો વિશ્વાસ છે તેવા લોકોની સંખ્યા બમણી થઈ છે. જેમને ખાસ કોઈ ભરોસો નથી તેવા લોકોની ટકાવારી ગયા વર્ષે સાત ટકા હતી, જે 14 ટકા થઈ છે અને જેમને જરા પણ વિશ્વાસ નથી તેવા લોકોની ટકાવારી પાંચમાંથી વધીને સાત ટકા થઈ છે.
પંચ પરથી વિશ્વાસ ઘટ્યો તેમાં ઈવીએમ સામેની શંકા પણ મહત્વનો ભાગ ભજવે છે. સર્વે દરમિયાન જ્યારે મતદારોને પૂછવામાં આવ્યું કે ઈવીએમ સાથે છેડછાડની શક્યતા છે કે નહીં ત્યારે 17 ટકાએ કહ્યું હતું કે પૂરી શક્યતા છે જ્યારે 28 ટકાને લાગે છે કે ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે. 27 ટકાને લાગે છે કે ઈવીએમ સાથે ચેડાં શક્ય નથી અને બાકીના આ વિશે જવાબ આપવા તૈયાર નથી.
આ સાથે લોકનીતિના સર્વેમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ ઈડી, સીબીઆઈ જેવી સરકારી એજન્સીઓનો ભાજપ વિપક્ષો વિરુદ્ધ ઉપયોગમાં કરે છે તેમ માનો છો ત્યારે 35 ટકા મતદારોએ એજન્સીઓનો વ્યક્તિગત બદલો લેવા એટલે કે રાજકીય લાભ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે 31 ટકા માને છે કે આ એજન્સીઓ કાયદાના દાયરમાં રહી કામ કરે છે. તો બાકીના 34 ટકા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવા માગતા નથી.