બિહારમાં મતદાર યાદી સુધારણા: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા સવાલ પૂછ્યા; જાણો શું કહ્યું

નવી દિલ્હી: બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી (Bihar Assembly election) યોજવાની છે. આ ચૂંટણી માટેની તૈયારીના ભાગ રૂપે ચૂંટણી પંચે રાજ્યમાં મતદાર યાદી સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા શરુ કરી છે, જેની સામે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે, વિપક્ષે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા છે. આજે ગુરુવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ SIRની પ્રક્રિયાને યોગ્ય ગણાવી હતી, પણ તેના સમય અંગે સવાલો ઉઠાવ્યા હતાં.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને જોયમાલા બાગચીની બેન્ચે આ કેસની સુનાવણી કરી. ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને પડકારતા અરજદારોએ દલીલો કરતા કહ્યું કે ચૂંટણી પંચનું આ પગલું મનસ્વી છે અને તે મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતને નુકશાન પહોંચાડે છે. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાએ કહ્યું કે મતદાર યાદીમાંથી બિન-નાગરિકોને દૂર કરવાનો અધિકાર ગૃહ મંત્રાલયનો છે, ચૂંટણી પંચનો નહીં.
આ પણ વાંચો: બિહારમાં મતદાર યાદી સમીક્ષા અંગે ચૂંટણી પંચની સ્પષ્ટતા; જાણો કલમ 326 ટાંકીને શું કહ્યું?
‘સમસ્યા સમય સામે છે’
ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાએ ચૂંટણી પંચને કહ્યું કે, “તમારી પ્રક્રિયા સામે સમસ્યા નથી… પણ સમય સામે સામે છે.” ન્યાયાધીશ ધુલિયાએ કહ્યું કે યાદીમાંથી દુર કરવામાં આવેલા વ્યક્તિઓ પાસે અપીલ કરવાનો સમય નહીં હોય.
ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાએ કહ્યું કે મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ અદાલતો યાદીને અંગે કઈ કાર્યવાહી નહીં કરે… જેનો અર્થ એ થયો કે મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવેલા વ્યક્તિ પાસે ચૂંટણી પહેલાં તેને (સુધારેલી યાદી) પડકારવાનો વિકલ્પ નહીં રહે.
ન્યાયાધીશ જોયમાલા બાગચીએ કહ્યું “આ રિવિઝન પ્રોસેસ કરવામાં કંઈ ખોટું નથી… પરંતુ તે આ ચૂંટણીથી અલગ યોજવી જોઈએ.”
આ પણ વાંચો: બિહારમાં મહાગઠબંધનનો ચક્કાજામ! ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરુદ્ધમાં નારેબાજી…
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો:
અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર ચુંટણી પંચ પાસેથી જવાબ માંગતા કહ્યું સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને લોકશાહીના પાયાને સ્પર્શે… તેઓ (અરજદારો) માત્ર ચૂંટણી પંચની સત્તાઓને જ નહીં પરંતુ પ્રક્રિયાને પણ પડકારી રહ્યા છે…”
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ત્રણ મુદ્દે જવાબ માંગ્યો, પહેલું કે SIR હાથ ધરવા માટે પેનલ પાસે રહેલી સત્તા વિષે ચોખવટ કરો, બીજું કે પ્રક્રિયાની માન્યતા સમજાવો અને ત્રીજું કે ચૂંટણી પહેલાં આ કવાયત હાથ ધરવા વિષે સ્પષ્ટતા કરો. ચૂંટણી પંચને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેણે આ કવાયતને 2025ની બિહાર ચૂંટણી સાથે કેમ ‘જોડી’?
આધાર કાર્ડ માન્ય કેમ નહીં?
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ જે કંઈ પણ કરી રહ્યું છે તે બંધારણ હેઠળ છે અને આવી કવાયત વર્ષ 2013 માં પણ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા માટે માન્ય દસ્તાવેજોની યાદીમાંથી આધાર કાર્ડને કેમ બહાર રાખવામાં આવ્યું છે. કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે તમે નાગરિકતાના મુદ્દા પર કેમ જઈ રહ્યા છો અને આ ગૃહ મંત્રાલયનો મામલો છે.
અરજદારો અને પંચની દલીલ:
અગાઉ અરજદારોમાંના એક વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે, આ પ્રક્રિયા “મનસ્વી” અને “ભેદભાવપૂર્ણ” છે કારણ કે તે એક દાયકાથી વધુ સમયથી યાદીમાં રહેલા મતદારોને તેમની માન્યતા ફરીથી પુરવાર કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, અને આધાર જેવા સરકાર દ્વારા આપવામાં આવેલા IDને માન્ય રાખ્યા વિના આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભારતના મતદાર બનવા માટે, ભારતના બંધારણના અનુચ્છેદ 326 હેઠળ નાગરિકતાની ચકાસણી કરવી જરૂરી છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે કોઈને પણ સુનાવણીની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં.