વિસ્તારાની ફ્લાઈટનું ભુવનેશ્વર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ…..

ભુવનેશ્વર: અતિવૃષ્ટિને કારણે વિન્ડશિલ્ડમાં તિરાડ પડતા વિસ્તારાની ફ્લાઇટનું ભુવનેશ્વર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બુધવારે વિસ્તારા ફ્લાઇટ UK-788ને કરા અને વાવાઝોડાને કારણે ટેકઓફના માત્ર 10 મિનિટ બાદ જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
મળતી માહિતી અનુસાર આજે બપોરે ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને કરા પડતાં વિસ્તારા ફ્લાઇટની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. ભુવનેશ્વર એરપોર્ટના ડાયરેક્ટર પ્રસન્ના પ્રધાને કહ્યું કે ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે વિસ્તારાના વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનના વિન્ડશિલ્ડ સિવાય સ્ટ્રક્ચરના કેટલાક ભાગોને પણ થોડું નુકસાન થયું છે. જોકે, આ ઘટના બાદ ફ્લાઇટ સુરક્ષીત રીતે લેન્ડ થઇ હતી.
આપણ વાંચો: બ્રિટિશ એરલાઇન્સના છબરડા છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ કરાતા અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા
વિમાને ભુવનેશ્વરથી લગભગ 1:45 વાગ્યે ઉડાન ભરી હતી અને પ્રાથમિકતાના ધોરણે 10 મિનિટ પછી પાછા ઉતરવા માટે મદદ માંગી હતી. પ્રધાને કહ્યું હતું કે લેન્ડિંગ બાદ કરવામાં આવેલી તપાસમાં પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હોવાની અને સ્ટ્રક્ચરને પણ થોડું નુકસાન થયું હોવાની જાણ થઇ હતી.
અહેવાલો અનુસાર, ફ્લાઈટમાં લગભગ 170 થી 180 મુસાફરો સવાર હતા અને તમામ સુરક્ષિત છે. તમામ મુસાફરો એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે અને મુસાફરોને લઈ જવા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જરૂરી સમારકામ બાદ જ ફ્લાઇટ ઉડ્ડયન માટે રવાના થશે.