Vistara Airline માં કટોકટી યથાવત; દિલ્હીથી આટલી ફ્લાઈટ્સ રદ, આજે મહત્વની બેઠક
નવી દિલ્હી: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની સહાયરી વિસ્તારા એરલાઈન્સ(Vistara Airlines) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઈટ્સ ડીલે અને કેન્સલ થવાનો સિલસિલો યથાવત છે. આજે પણ વિસ્તારાની દિલ્હીથી ઉપડતી 10 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી દિલ્હીની 4 ફ્લાઈટ અને મુંબઈથી બેંગ્લોરની 2 ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ કેન્સલ થવાથી મુસાફરોને હાલાકી પડી છે.
ગઈકાલે પણ વિસ્તારાની 60થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. એરલાઈને ગઈકાલે મુંબઈથી 15, દિલ્હીથી 12 અને બેંગલુરુથી 11 ફ્લાઈટ્સ રદ કરી હતી, એ પહેલા 1લી એપ્રિલે લગભગ 50 ફ્લાઈટ્સ રદ કરી હતી. એક અઠવાડિયામાં 110થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, 160 થી વધુ ફ્લાઇટ્સ ડીલે થઇ છે. એક સાથે સંખ્યાબંધ પાયલોટ રજા ઉતારી જવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે.
એક અહેવાલ મુજબ આ મુદ્દો હાલ કરવ વિસ્તારાના CEO વિનોદ કન્નન આજે એરલાઇનના પાઇલટ્સ સાથે મિટિંગ કરશે, આ મિટિંગમાં કંપનીના ટોચના મેનેજમેન્ટ અને હ્યુમન રોસોર્સના કર્મચારીઓ પણ હાજરી આપશે.
એક અખબારી અહેવાલ મુજબ એરલાઇનના 15 પાઇલટોએ રાજીનામું આપી દીધું છે. રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયા સાથે મર્જરના નિર્ણય બાદ કંપનીએ શરતો અને સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યો છે, જેના વિરોધમાં પાઈલટ રજા પર ઉતારી ગયા છે. એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના મર્જરને 1 સપ્ટેમ્બર 2023ના રોજ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે વિસ્તારા એરલાઈન્સે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ માફી માંગી છે. એરલાઈન્સે કહ્યું કે પાયલોટની અછતને કારણે સમસ્યા સર્જાઈ છે, અમે સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અસ્થાયી રૂપે ફ્લાઇટની સંખ્યા ઘટાડવામાં આવી છે. મુસાફરોને બીજી ફ્લાઇટ પસંદ કરવા અથવા રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ વિસ્તારાને ફ્લાઇટ કેન્સલેશન તેમજ ડેલે અંગે દૈનિક માહિતી આપવા જણાવ્યું છે. મુસાફરોની સુવિધા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવશે.