પહેલી વાર ઓસ્ટ્રિયા જતી વખતે PM Modiએ ચાન્સેલર માટે આગવા અંદાજમાં લખ્યું કે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે જવાના છે. રવિવારે તેમની સત્તાવાર મુલાકાત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ સહકારના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરવા આતુર છે. તેમણે કહ્યું કે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ પાયો છે જેના પર બંને દેશો વધુ ગાઢ ભાગીદારી બનાવશે.
વાસ્તવમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરે એકસ પર એક પોસ્ટમાં પીએમ મોદીની મુલાકાત વિશે ઉત્સુકતા દર્શાવી હતી. નેહમરે કહ્યું હતું કે હું આગામી અઠવાડિયે વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિયેનામાં સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છું.”
ચાન્સેલર કાર્લ નેહમરે કહ્યું હતું કે આ મુલાકાત એક વિશેષ સન્માન છે કારણ કે 40 વર્ષમાં ભારતના વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે આપણે ભારત સાથે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી પાસે અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની અને સંખ્યાબંધ ભૌગોલિક રાજકીય પડકારો પર ગાઢ સહકાર વિશે વાત કરવાની તક મળશે.
આ પણ વાંચો : ટીએમસીનાં સાંસદ મહુઆ મોઈત્રા સામે નોંધાઈ એફઆઈઆર, જાણો કારણ?
ચાન્સેલર નેહમેરને જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે “ચાન્સેલર કાર્લ નેહમરનો આભાર. આ ઐતિહાસિક અવસર પર ઓસ્ટ્રિયા આવવું ખરેખર સન્માનની વાત છે. હું અમારા દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને સહયોગના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચાઓ કરવા માટેની રાહ જોઈ રહ્યો છું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ પાયો છે જેના પર આપણે વધુ ગાઢ ભાગીદારી બનાવીશું. 22મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 8-9 જુલાઈના રોજ મોસ્કોની મુલાકાત પછી મોદી તેમની પ્રથમ મુલાકાત 9-10 જૂલાઈના રોજ ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે.