માલદીવના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, બંને દેશના સંબંધો સુધરશે કે નહીં?

નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ હાલમાં જ નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારતમાં પાંચ દિવસનું રોકાણ કરશે. મુઈઝુની સાથે માલદીવનાં ફર્સ્ટ લેડી અને તેમની પત્ની સાજીદા મોહમ્મદ પણ હાજર હતા. તેમનું વિમાન થોડા સમય પહેલા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુઈઝૂ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
આ એ જ મુઈઝૂ છે, જેમણે માલદીવમાં સત્તા પર આવતાની સાથે જ ભારત વિરોધી સૂર છેડવાનું શરુ કર્યું હતું. પરંતુ હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂનું વલણ ઠંડું પડી ગયું છે. ચીન પ્રેમી મોહમ્મદ મુઈઝૂ હવે પીએમ મોદીને મળવા પોતાની પ્રથમ રાજકીય મુલાકાત પર નવી દિલ્હી આવી રહ્યા છે. મુઈઝૂ આજથી ૧૦ ઓક્ટોબર દરમિયાન દિલ્હી જશે. રાષ્ટ્રપતિ ડો.મુઈઝૂની ભારતની આ પ્રથમ રાજકીય દ્વિપક્ષીય મુલાકાત હશે. આ પહેલા તેઓ જૂનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવ્યા હતા.
આ વખતે ભારતની મુલાકાત દરમિયાન મુઈઝૂ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારત અને માલદીવના પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પછી તેઓ મુંબઈ અને બેંગલુરુ પણ જશે, જ્યાં તેઓ બિઝનેસ પ્રોગ્રામમાં ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મુખ્ય દરિયાઈ પડોશી છે અને વડાપ્રધાનના ‘સાગર’ (આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ) અને ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ના વિઝનમાં તેનું વિશેષ સ્થાન છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરની માલદીવની તાજેતરની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ડૉ. મુઈઝૂની ભારતની મુલાકાત એ માલદીવ સાથેના તેના સંબંધોને ભારત જે મહત્વ આપે છે તેનો પુરાવો છે અને તેનાથી લોકો વચ્ચેના સહકારને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે.