એક વ્યક્તિનું માથું બીજી વ્યક્તિ પર જોડાશે: જાણો કોણે કર્યો આ મોટો દાવો

વૉશિંગ્ટન ડી.સી.: ભારતીય પૌરાણિક કથાઓમાં ભગવાન શિવે પોતાના પુત્ર ગણેશનું માથુ ધડથી અલગ થઈ જતા તેના પર હાથીનું માથું લગાવ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શિવ સાથે આ જ પ્રકારની બીજી પણ કથાઓ જોડાયેલી છે. પરંતુ હવે આ કાર્ય શક્ય બનવા જઈ રહ્યું છે. અમેરિકન ન્યુરોસાયન્સ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ કંપની બ્રેઈનબ્રિજે (BrainBridge) વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ વિકસાવવાનો સનસનીખેજ દાવો કર્યો છે.
પૌરાણિક વાર્તાઓના ઉદાહરણો હકીકત બનશે
કંપનીનો દાવો છે કે, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને એક દિવસ માનવ માથાને એક શરીરમાંથી કાઢીને બીજા સ્વસ્થ શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. બ્રેઈનબ્રિજે રજૂ કરેલી આ સિસ્ટમ સંપૂર્ણપણે રોબોટિક્સ અને AI પર આધારિત છે. કંપનીના વડા હાશિમ અલ-ગૈલાનીએ કહ્યું કે, “આપણે સાયન્સ ફિક્શનને લિટરેચરને વાસ્તવિકતામાં બદલી રહ્યા છીએ.”
જેમના શરીર ટર્મિનલ કેન્સર, ક્વાડ્રિપ્લેજિયા, અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા અસાધ્ય રોગોથી બરબાદ થઈ ગયા છે, પરંતુ તેમના મગજ સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ ટેકનોલોજી એવા દર્દીઓ માટે આશાનું કિરણ બની શકે છે. કેન્સર, લકવો, કે ન્યુરોલોજીકલ રોગોથી પીડાતા દર્દીઓ તેમના માથાને મૃત દાતાના સ્વસ્થ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવીને જીવન જીવવાની બીજી તક મેળવી શકશે.
હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?
આ પ્રક્રિયામાં અત્યંત જટિલ અને ચોકસાઈપૂર્વકની સર્જરીનો ઉપયોગ થશે. બે હાઇ-સ્પીડ રોબોટિક હાથ એક સાથે દર્દીનું માથું અને દાતાના શરીરને તૈયાર કરશે. AI વાસ્તવિક સમયમાં ચેતા, રક્તવાહિનીઓ અને કરોડરજ્જુનું મિલિસેકન્ડ-સ્તરનું મેપિંગ કરશે. માઇક્રોસર્જરીની ચોકસાઇ દ્વારા નસો અને ધમનીઓને લીકેજ વિના જોડી શકાશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મગજને ઓક્સિજન અને પોષણનો સતત પુરવઠો મળતો રહેશે, જેથી બ્રેઈન ડેડ થવાનું જોખમ ઘટશે. દર્દીની ઓળખ જાળવી રાખવા માટે ચહેરો પણ સંપૂર્ણ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
નૈતિક અને વૈજ્ઞાનિક પ્રશ્નો
બ્રેઈનબ્રિજના આ દાવાએ વૈજ્ઞાનિક સમુદાયમાં ઉત્સાહ જગાવ્યો છે, પરંતુ સાથોસાથ માથું બદલ્યા પછી વ્યક્તિની મૂળભૂત વ્યક્તિની ઓળખ જળવાઈ રહેશે કે કેમ? દાતાની સંમતિ અને ઓળખના અધિકારોનું શું થશે? આ ટેકનોલોજી ફક્ત શ્રીમંતો માટે ‘અમરત્વનું વરદાન’ બની જશે કે કેમ? એવા કેટલાક ગંભીર નૈતિક પ્રશ્નો પણ ઉભા કર્યા છે.
નિષ્ણાતો માને છે કે, આ હજી કલ્પનાના તબક્કામાં છે. પહેલા પ્રાણીઓ પર પ્રયોગો થશે અને પછી એક દાયકામાં માનવ પરીક્ષણો શરૂ થઈ શકે છે. પરંતુ તબીબી વિજ્ઞાને અશક્ય લાગતી સીમા પાર કરી દીધી છે. જેનાથી એક જ સવાલ ઊભો થાય છે કે, શું આપણે આને થવા દેવું જોઈએ કે અટકાવી દેવું જોઈએ?



