કારમાં સ્ટંટ કરવાનું સમાજવાદી પાર્ટીના નેતાને ભારે પડ્યું, પોલીસે કરી કડક કાર્યવાહી

આઝમગઢ: ચાલુ કાર પર સ્ટંટ કરતા સમાજવાદી પાર્ટીના નેતા પર ઉત્તર પ્રદેશ પોલીસે ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલી આઝમગઢમાં કારના કાફલા સાથે સ્ટંટ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આઝમગઢ પોલીસે મોટર વિહિકલ એક્ટ હેઠળ ગુડ્ડુ જમાલી સહિત 25 લોકો વિરુદ્ધ FIR નોંધી છે, આ સ્ટંટ કાંડમાં સંડોવાયેલી તમામ ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુડ્ડુ જમાલી હાલમાં જ બસપા છોડીને સપામાં જોડાયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને MLCના સભ્ય બનાવ્યા છે. એમએલસીના સભ્ય બનાવ્યા બાદ આઝમગઢમાં તેમના માટે સ્વાગત સમારોહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના કાર કાફલામાં સામેલ સમર્થકોએ સ્ટંટ કર્યા હતા અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું.
આ ઘટનાનો વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ગુડ્ડુ જમાલી, અબ્દુલ્લા અને નોમાન અહેમદ સહિત 25 લોકો વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ વાહનો કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. MLC પર કાર્યવાહી કરીને યુપી પોલીસે નિષ્પક્ષ કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.