
શિક્ષણ અત્યંત મોઘું થઈ ગયું છે અને ગુણવત્તા કથળતી જાય છે. આ વાત નવી નથી અને જે માતા-પિતા કે પરિવારના સંતાનો ભણતા હશે તેમને ખબર જ હશે કે કઈ રીતે બાળકોના શિક્ષણની જરૂરિયાત પૂરી કરવામા દમ નીકળી જાય છે. આવી જ કોઈ વાત સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચર્ચાઓ જાગી છે.
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જુનિયર કેજી બેચની ફી માળખાની એક તસવીર સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરવામાં આવી છે. આ તસવીરમાં અલગ અલગ કેટેગરીની ફી સાથે એક ખાસ કેટેગરીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
વાયરલ તસવીર અનુસાર એક સ્કૂલએ તેના કેજી ક્લાસ માટે વાલીઓ પાસેથી ઓરિએન્ટેશન ફી વસૂલ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન ફી લેબલવાળી કેટેગરી બતાવવામાં આવી હતી, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ યુઝર્સ આ પોસ્ટ પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ પૉસ્ટ રાજાબાબુ નામના એકાઉન્ટ પરથી ટ્વીટર પર શેર થઈ છે.
તસ્વીરમાં આપેલી વિગતો મુજબ સૌપ્રથમ પ્રવેશ ફી 55 હજાર 638 રૂપિયા રાખવામાં આવી છે. તેવી જ રીતે કૉશન મની (રિફન્ડેબલ) 30 હજાર 19 રૂપિયા, વાર્ષિક ચાર્જ 28 હજાર 314 રૂપિયા, ડેવલપમેન્ટ ફી રૂપિયા 13 હજાર 948, ટ્યુશન ફી રૂપિયા 23 હજાર 737 અને પેરેન્ટ્સ ઓરિએન્ટેશન ફી રૂપિયા 8,400 રાખવામાં આવી છે.
વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, અરે, તે નર્સરી છે કે બી.ટેક. અન્ય એક યુઝરે લખ્યું, ‘શું તમે હપ્તાથી ચૂકવણી કરી શકતા નથી?’ ત્રીજા યુઝરે લખ્યું, ‘મારા 10મા ધોરણમાં ફી 500 રૂપિયા પ્રતિ માસ હતી, મને લાગ્યું કે હું કોઈ મોંઘી સ્કૂલમાં ભણી રહ્યો છું.’ ચોથા યુઝરે લખ્યું, ‘આજના સમયમાં બાળકોએ સરકારી શાળાઓમાં જ ભણવાનું શરૂ કરવું પડશે. ખાનગી શાળાની ફી આખો પગાર ખાઈ જશે. પાંચમા યુઝરે લખ્યું, સરકારી શાળા શ્રેષ્ઠ છે.
તમારું શું માનવું છે આજના શિક્ષણ અને તે માટે વસૂલવામાં આવતી ફી અંગે…અમે કૉમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો.