શિમલામાં મસ્જિદ વિવાદમાં હિંસક પ્રદર્શનઃ 50 લોકો વિરુદ્ધ કેસ, દિગ્ગજ નેતાઓનો નામ સામેલ

શિમલાઃ હિમાચલ પ્રદેશના શિમલાના સંજોલી વિસ્તારમાં એક મસ્જિદના ગેરકાયદે હિસ્સાને તોડી પાડવાની માંગ સાથે ગયા સપ્તાહમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના નેતાઓ, પૂર્વ કોર્પોરેટર અને પંચાત પ્રમુખ સહિત 50 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની જાણકારી પોલીસે આપી હતી.
11 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શનકારીઓની પોલીસ જવાનો સાથે અથડામણ થઇ હતી. પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીનો ઉપયોગ કર્યો. જેમાં પોલીસ અને મહિલાઓ સહિત 10 જેટલા લોકો ઘાયલ થયા છે.
શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનને ભડકાવનારા લોકોના કોલ ડિટેઈલ રેકોર્ડ એકત્ર કરવામાં આવ્યા છે અને વધુ કેસ નોંધવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ, વિડિયો અને ફોટોગ્રાફ્સમાં લોકો હાથમાં પત્થરો લઈને જોવા મળે છે, જે ફરજ પરના અધિકારીઓ પર ફેંકવામાં આવ્યા હતા.
આપણ વાંચો: Shimla બાદ હવે મંડીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઇને વિરોધ પ્રદર્શન, રોડ પર ઉતર્યા લોકો…
અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 50 લોકોની ઓળખ કરવામાં આવી છે અને આઠ કેસ નોંધવામાં આવ્યા છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના નેતાઓ, પંચાયતના વડાઓ અને તેમના પ્રતિનિધિઓ, ભૂતપૂર્વ કાઉન્સિલરો અને દુકાનદારો ઉપરાંત ચૌપાલ અને ઠિયોગના લોકોનો સમાવેશ થાય છે.
વિરોધીઓ પર ભારતીય દંડ સંહિતા (બીએનએસ) કલમ 196 (1) (ધર્મના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા), 196(2) (પૂજાના સ્થળ પર અપરાધ), 189 (ગેરકાયદેસર સભા), 126(2) (ખોટી રીતે રોકવા), 61(2) (ગુનાહિત કાવતરું અને હુમલો), 353(2) (ધર્મ પર ખોટી માહિતી ફેલાવવી), 223 (જાહેર સેવકના આદેશનો અનાદર કરવો, અને 132 (જાહેર સેવક પર હુમલો કરવો). “તે શાંતિને ખલેલ પહોંચાડવા માટે પૂર્વ આયોજિત વિરોધ હતો.
એસપીએ કહ્યું કે બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ છે. એકને પીઠ પર અને બીજાને માથામાં અને દોષિતો સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સંજૌલી મસ્જિદ મુદ્દે શિમલામાં તણાવ વચ્ચે ગયા ગુરુવારે મુસ્લિમ કલ્યાણ સમિતિએ અનધિકૃત ભાગને તોડી પાડવાની ઓફર કરી હતી, જ્યારે સમુદાયના સભ્યોએ જાતે જ મંડીમાં સરકારી જમીન પરની મસ્જિદની દીવાલ તોડી પાડી હતી.