‘મમતા બેનર્જીને પણ ઇન્દિરાની જેમ….’ સોશિયલ મીડિયા પર પોસ્ટ, પોલીસે વિદ્યાર્થીની કરી ધરપકડ
કોલકાતાની આરજી કાર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata rape and murder case) બાદ દેશભરમાં વિવિધ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોએ હિંસકરૂપ ધારણ કર્યું છે. એવામાં કોલકાતાના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બનર્જી (Mamata Banerjee) સામે વાંધાજનક પોસ્ટ મૂકી હતી, પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર “કીર્તિસોશિયલ” આઇડી ધરાવતા વિદ્યાર્થીએ આરજી કાર હોસ્પિટલમાં બનેલી ઘટનાને લગતી ત્રણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અપલોડ કરી હતી. જેમાં પીડિત મહિલાની તસવીર અને ઓળખ જાહેર કરવામાં આવી છે જે અત્યંત વાંધાજનક છે. તેમજ આરોપીએ સીએમ મમતા વિરુદ્ધ બે પોસ્ટ શેર કરી હતી. પોલીસનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં, વાંધાજનક ટિપ્પણીઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ કોઈપણ સમયે સામાજિક અશાંતિ પેદા કરી શકે છે અને સમુદાયમાં નફરતને પ્રોત્સાહન આપી શકે છે.
પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “ઇન્દિરા ગાંધીની જેમ મમતા બેનર્જીને ગોળી મારી દો. જો તમે તે નહીં કરી શકો તો હું તમને નિરાશ નહીં કરું.” તૃણમૂલ કોંગ્રેસના ઘણા સમર્થકોએ અધિકારીઓને જાણ કર્યા પછી તરત જ આની નોંધ લેવામાં આવી હતી. પોલીસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ પીડિતાની ઓળખ અને ફોટોગ્રાફ પણ જાહેર કર્યો હતો.
કોલકાતા પોલીસ બળાત્કાર-હત્યાની ઘટના સાથે સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે ભાજપના ભૂતપૂર્વ સાંસદ લોકેટ ચેટર્જી અને બે અગ્રણી ડોક્ટરોને કથિત રીતે અફવાઓ ફેલાવવા અને પીડિતાની ઓળખ છતી કરવા બદલ સમન્સ જારી કર્યા હતા.
Also Read –