ફિલ્મો, વેબસિરિઝ, રિલ્સ બધામાં હિંસા જોતું બાળક હિંસા તરફ વળે ત્યારે બૂમો પાડવાનો શો અર્થ? | મુંબઈ સમાચાર
નેશનલ

ફિલ્મો, વેબસિરિઝ, રિલ્સ બધામાં હિંસા જોતું બાળક હિંસા તરફ વળે ત્યારે બૂમો પાડવાનો શો અર્થ?

તમારા બાળકનો ફેવરિટ સ્ટાર કયો, તેમની સાથે તમે છેલ્લી ફિલ્મ કે બેસ સિરિઝ કઈ જોઈ હતી. તમારા બાળકના મોબાઈલમાં જે એલ્ગોરિધમ સેટ થયું છે તેમાં સૌથી વધારે શું પોપ અપ થાય છે, પુરપાટ ચાલતી કારમાં સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો જોઈ તમારું બાળક કેવું રિએક્ટ કરે છે. આ બધા સવાલના જવાબ તમે તમારી જાતને પૂછો અને કહો કે આપણે બાળકોને શું આપીએ છીએ.

અમદાવાદની સેવન્થ ડેઝ નામની સ્કૂલમાં આઠમાં ધોરણના એક વિદ્યાર્થીએ દસમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને કિચન કટરથી મારી નાખ્યો. બન્ને વચ્ચે સાવ જ સામાન્ય એવો ઝગડો હતો. સ્કૂલમાં ઘણીવાર બે વિદ્યાર્થીઓના જૂથ બની જતા હોય અને એકબીજાની સામસામે આવી જતા હોય, આવું છોકરીઓમાં પણ બને છે. પણ વાત જ્યારે એકબીજાને મારવા કે મારી નાખવા તરફ આગળ વધે ત્યારે થોડું વિચારવાની જરૂર છે. કોઈપણ સમસ્યાનું હલ હિંસા છે અને એકાદને બે મુક્કા મારી આપણે હીરો બની જઈશું તેવો વિચાર બાળકના કે કુમળી વયના સગીરોના મનમાં ક્યાંથી આવે છે તે વિચારવા જેવું છે.

આ પણ વાંચો: અમદાવાદ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા: આરોપીની દોસ્ત સાથેની ચેટનો સ્ક્રીનશોટ વાયરલ

બાળકો જે જૂએ છે તે કરે છે. તમારો ઉપદેશ કે મોટી મોટી વાતો તેમને અસર કરતી નથી પ્રામાણિકતાનો પાઠ ભણવતો બાપ રસ્તામાં ટ્રાફિકના નિયમો તોડે અને પછી ત્યાં ઊભેલા હવાલદારને સો-બસ્સો રૂપિયા આપી મનાવી લે ત્યારે પાછળ બેઠેલો બાળક શું શિખવાનો. પરિવાર સાથે ફરવા ગયા હો અને કોઈ છોકરી ટૂંકા વસ્ત્રો પહેરી બાજુમાંથી નીકળે, મા-બાપ બન્ને યુવતીને દોષ દે ત્યારે દીકરો શું શિખવાનો. એક તો પરિવાર પાસેથી બાળક શિખે છે, બીજું સ્કૂલ અને ત્રીજું જે બાળકની મગજને ઊંડી અસર પહોંચાડે છે તે દશ્ય શ્રાવ્ય માધ્યમ.

આજકાલ દરેક બાળકના હાથમાં મોબાઈલ છે. મિત્રો સાથે મળી બાળકો ફિલ્મો જોવા જાય છે. તે ફિલ્મો કે વેબ સિરિઝનું કન્ટેન્ટ તેમને શું પિરસે છે, હિંસા. અગાઉની ફિલ્મોમાં વિલન હિંસા કરતો અને તેને હરાવવા હીરોને હીંસા કરતો બતાવતો. અમિતાભ બચ્ચનની ફિલ્મોથી એક્શન ફિલ્મોનો દોર શરૂ થયો, જેમાં કાળાબજારિયા કે હીરોઈનોને છેડતા ગુંડાઓને પાઠ ભણાવવા હીરો હિંસા કરતો. પણ છેલ્લા કેટલા સમયથી તો હીરો જ ગુંડો છે અને તે બેહદ હિંસા સિવાય ત્રણ કલાકની ફિલ્મમાં ખાસ કંઈ કરતો જ નથી.

ગૂંડાઓને જ બાતાવાય છે હીરો

પુષ્પાનો પુષ્પા ચંદનના લાકડાનો સ્મગલર છે, કેજીએફનો હીરો સોનાનો સ્મગલર છે, એનિમલનો હીરો હાથમાં ગન લઈને લાશોના ઢગલા કરી નાખે છે, મિર્ઝાપુરમાં ગુંડાઓ વચ્ચેના ખુનખરાબા જ બતાવાય છે. આમાં હીરો પોતાનો એક્કો જમાવવા મારામારી કરે છે અને જેના હાથમાં ગન અને જેના મોઢામાં ગાળો તે જ હીરો તેવી એક છાપ ઊભી કરી દીધી છે.
સોશિયલ મીડિયામાં તલવારથી બર્થ ડે કેક કાપતા, બાઈક-ફોરવ્હીલર બેફામ ચલાવતા, સ્ટંટ કરતા જ હીરો તરીકે દેખાડાય છે. આ ઉપરાંત ઈન્ટરન્ટ પણ મબલખ કન્ટેન્ટ છે, જેમાં હિંસા, એબ્યુઝ, સેક્સ બધુ હદ વિનાનું બતાવાય છે અને તેને જ ગ્લોરીફાય કરવામાં આવે છે.

15થી 18 વર્ષના સગીરોમાં માનસિકતા જ્યારે ઘડાતી હોય ત્યારે તેમની સામે આ બધુ ઠલવાતું જાય છે.

આ પણ વાંચો: ચિંતાજનક ટ્રેન્ડઃ અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી હુમલો

પરિવાર અને શાળાઓમાં શિસ્તનો અભાવ

બીજી બાજુ પરિવારે બાળકને કંઈ કહેવાનું નહીં, બાળકને ઉછેરવામાં એટલા બધા વેવલાવેળા કરવામાં આવે છે કે ન પૂછો વાત. તો બીજી બાજુ સ્કૂલમાં શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને કંઈ કહેવાનું નહીં, શિક્ષા તો કરાય જ નહીં, બાળકોને બધાની સામે ઝાટકવાના નહીં. બે વાર જો શિક્ષકો બાળકને કોઈ મામલે ઝાટકી નાખે તો પેરેન્ટ્સ સીધા સ્કૂલમાં આવી જાય. બિચારા શિક્ષકોએ સામે ચાલી માફી માગવી પડે તેવી સ્થિતિ મોટાભાગની હાઈફાઈ સ્કૂલોમાં છે.

તેમની સામે આદર્શ યોગ્ય રાખવામાં આવતા નથી, તેમને સાચી રાહ બતાવવામાં આવતી નથી. સ્કૂલમાં સિલેબસ અને વિવિધ પ્રવૃત્તિઓમાં બાળક અને શિક્ષકો એટલા ગૂંચવાયેલા રહે છે, દેખાદેખી અને અમારી સ્કૂલમાં કંઈ ખરાબ થતું નથી તેવી ઈમેજ બનાવવા સ્કૂલ કેટલુંય છુપાવે છે, અંતે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સૌની આંખો ખૂલે છે.

એક સગીર વયના છોકરાએ બીજાને મારી નાખ્યો એટલે આખા શિક્ષણજગતને, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગાળો દઈ છૂટી જવાની વાત નથી, પરંતુ એ હકીકત છે કે આપણે બાળકો સામે આદર્શો મૂકવામાં સદંતર નિષ્ફળ ગયા છે. સંતાનોને શિસ્ત શિખવનારા માતા-પિતા અને શિક્ષકો જ હાલમાં મોબાઈલમાં ખોવાયેલા રહે છે, બાળકોને ઊની આંચ પણ ન આવે તેવા પ્રયત્નો કરતા પરિવારોને ખબર પણ નથી પડતી કે તેમનું બાળક ક્યારે સ્વકેન્દ્રી, સ્વાર્થી અને તોછડું થઈ ગયુ છે. આવી કોઈ ઘટના બને ત્યારે સફાળા જાગવાથી અને નારેબાજી કરવાથી સમસ્યાનો અંત નહીં આવે, સંતાનોના ઉછેરમાં થતી ભૂલો સુધારવી પડશે, બાકી આ નહીં તો આવી કોઈ બીજી ઘટના સમાજને ચોંકાવતી રહેશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button