પેટા ચૂંટણીના પરિણામ આવતા જ પ. બંગાળમાં હિંસા, ટીએમસી નેતાની ગોળી મારીને હત્યા
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીના પરિણામોના દિવસે ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. શનિવારે રાત્રે અહીં દિનાજપુર જિલ્લામાં પંચાયત સ્તરના TMC નેતાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઈસ્લામપુરથી 12 કિલોમીટર દૂર શ્રી કૃષ્ણપુરમાં બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય બાપી રોય તરીકે થઈ છે. તે પંચાયત સમિતિના સભ્યના પતિ હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રોય તેના અન્ય મિત્ર મોહમ્મદ સજ્જાદ સાથે રસ્તાની બાજુના ઢાબા પર ભોજન કરી રહ્યો હતો. ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ તેની પર ગોળીબાર કરીને નાસી છૂટ્યા હતા. સજ્જાદ ઈસ્લામપુર રામગંજ પંચાયતના પ્રમુખનો પતિ છે. લોકોએ જણાવ્યું કે રાત્રે 9 વાગ્યાની આસપાસ પાંચથી છ બાઈકર્સ આવ્યા હતા અને તેઓએ મોઢા ઢાંકેલા હતા.
રોયને તેની ગરદન પાસે ગોળી વાગી હતી. સજ્જાદ હુસૈનને પીઠ પર ગોળી વાગી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રોયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સજ્જાદની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત નાજુક છે. ઉત્તર દિનાજપુર ટીએમસીના પ્રમુખ કન્હૈયાલાલ અગ્રવાલે જણાવ્યું હતું કે હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે તેઓ જાણતા નથી. તેમણે કહ્યું હતું કે , અમને આશા છે કે પોલીસ હુમલાખોરોની જલ્દી ધરપકડ કરશે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઈસ્લામપુર પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ આરોપીઓ જલ્દી પકડાઈ જશે.
નોંધનીય છે કે ચાર સીટો પર યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ પણ શનિવારે આવી ગયા છે, જેમાં ટીએમસીએ તમામ સીટો પર કબજો કરી લીધો છે. ઉત્તર દિનાજપુરની રાયગંજ સીટ પર પણ ચૂંટણી યોજાઈ હતી.
lAlso Read –