નેશનલ

મણીપુરમાં ફરી હિંસા ભડકી: ઈમ્ફાલમાં ટોળાએ મુખ્ય પ્રધાનના પૈતૃક ઘરને નિશાન બનાવ્યું

મણીપુરમાં ફરી હિંસા ભડકી છે. ગુરુવારે રાત્રે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ ઘટના બની હતી. સુરક્ષા દળોએ હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરી નાખી હતી. એન બિરેન સિંહ ઇમ્ફાલની મધ્યમાં એક અલગ સુરક્ષિત સત્તાવાર મકાનમાં રહે છે.

ઇમ્ફાલના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમ્ફાલના હિંગંગ વિસ્તારમાં આવેલા મુખ્યપ્રધાનના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ટોળાને ઘરથી લગભગ 100-150 મીટર દૂર રોકી દીધું હતું. જોકે આ નિવાસસ્થાનમાં કોઈ રહેતું નથી, હાલ આ મકાન કડક સુરક્ષા હેઠળ છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, લોકોના બે જૂથ અલગ-અલગ દિશામાંથી આવ્યા અને મુખ્ય પ્રધાનના પૈતૃક ઘરની નજીક પહોંચ્યા હતા. રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) અને રાજ્ય પોલીસે ભીડને વિખેરવા માટે ટીઅરગેસના શેલ છોડ્યા હતા. ટોળાને આગળ વધવામાં મુશ્કેલી ઉભી કરવા પ્રસાશને સમગ્ર વિસ્તારમાં વીજળી કાપી નાખી હતી. દેખાવકારોએ નજીકના રોડ પર ટાયરો પણ સળગાવ્યા હતા. મુખ્ય પ્રધાનના ઘર પાસે બેરિકેડ લગાવ્યા છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બે વિદ્યાર્થીઓની હત્યાના મામલે મંગળવાર અને બુધવારે ટોળાએ હિંસક દેખાવો કર્યા હતા. ટોળાએ ગુરુવારે વહેલી સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને બે વાહનોને આગ ચાંપી દીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button