ઇમ્ફાલ: કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મણીપુરમાં હિંસા (Manipur violence) કાબુમાં આવી ગઈ હોવાના દવા કરવામાં આવ્યા છે, પરંતુ મણીપુરમાં હિંસાની આગ હજુ બુજાઈ નથી. એવામાં આજે મણીપુરના જીરીબામ જીલ્લા(Jiribaam District)માં હિંસક અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો.
જ્યની પોલીસ સાથેના સંયુક્ત પેટ્રોલિંગ પર ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો આ દરમિયાન ગોળી વાગતા એક જવાન શહીદ થયો છે, જયારે બે ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે આસામની સરહદે આવેલા જીરીબામ જિલ્લામાં શંકાસ્પદ હુમલાખોર દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ ટીમ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. CRPF સૈનિક પેટ્રોલિંગ SUV પાસે જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: મણીપુરમાં ફરી હિંસા ભડકી: ઈમ્ફાલમાં ટોળાએ મુખ્ય પ્રધાનના પૈતૃક ઘરને નિશાન બનાવ્યું
ઘટના સ્થાનના વિઝ્યુઅલ્સમાં એસયુવી ગાડી પર કેટલાક બુલેટના નિશાન જોવા મળે છે અને પાછળની વિન્ડશિલ્ડ વિખેરાયેલી જોવા મળે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે પણ વળતી કાર્યવાહી કરી. જે બાદ આતંકવાદીઓ જંગલમાં થઇને ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા. હાલ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન એન વિરેન સિંહે આ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જીરીબામ જિલ્લામાં કુકી હુમલાખોરોના સશસ્ત્ર જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આજે સીઆરપીએફ જવાનની હત્યાની હું સખત નિંદા કરું છું. ફરજ પર તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય. સીએમએ કહ્યું કે હું શહીદ સૈનિકના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને હુમલા દરમિયાન ઘાયલ થયેલા જવાનો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
આ અઠવાડિયામાં મેઇતેઈ સમુદાય અને હમર જાતિઓ વચ્ચેની અથડામણોને પગલે જીરીબામમાં પણ તણાવ વધ્યો હતો, એવામાં આ હુમલો થયો છે.
રાજ્યમાં મે 2023 માં મેઇતેઇ-કુકી સમુદાયો વચ્ચે અથડામણો શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થયો જોવા છતાં જીરીબામ જીલ્લામાં હિંસાની ઘટનાઓ બની ન હતી, ગયા મહિને જીરીબામમાં અથડામણો ફાટી નીકળી હતી, જેમાં બંને સમુદાયોના એક હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી.