મણિપુરમાં ફરી હિંસા: બળાત્કાર કરી મહિલાને સળગાવી દેવાઈ
ઇમ્ફાલ: મણિપુરમાં હજુ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરના જીરીબામ જિલ્લાના એક ગામમાં 31 વર્ષીય આદિવાસી મહિલા પર દુષ્કર્મ કરીને તેને સળગાવી દેવામાં આવી હતી. મૃતક મહિલા ત્રણ બાળકોની માતા હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે કેટલાક હથિયારધારી લોકોએ ઘરો પર હુમલો કર્યો હતો.
મૃતક મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો સશસ્ત્ર-મીતેઈ જૂથ અરામબાઈ ટંગોલ અને UNLF જૂથોએ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શુક્રવારે મોડી રાત સુધી આરોપીઓની ઓળખ થઈ શકી ન હતી. આરોપીઓ ઘાટીના રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હુમલા દરમિયાન દસથી વધુ મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
આપણ વાંચો: મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ છ ઘરમાં આગચંપી અને ગ્રામીણો પર હુમલો…
પીડિતાના પતિએ જણાવ્યું હતું કે, જૌરાવન ગામમાં પહેલા મકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મણિપુરમાં આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે. અહીં એક આદિવાસી મહિલાને નગ્ન કરીને પરેડ કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાના મૃતદેહને ફોરેન્સિક ટેસ્ટ માટે આસામ મોકલવામાં આવ્યો છે.
કુકી-જો સમુદાયનો દાવો છે કે હુમલા દરમિયાન ગામની એક મહિલાનું મોત થયું છે, પરંતુ જિલ્લા પોલીસે મહિલાના મોતના સમાચારની પુષ્ટિ નથી કરી. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે.