વિનેશ તેના ગામમાં પરત ફરી; ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું ફાળો ઉઘરાવી ઇનામ અપાયું…
પેરીસથી ભારત પરત ફર્યા બાદ વિનેશ ફોગટ (Vinesh Phogat) ગઈ કાલે રાત્રે હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં આવેલા તેના ગામ બલાલી(Balali Village)માં પહોંચી હતી. ગામમાં વિનેશનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટથી તેના ગામ પહોંચવા વિનેશને 12 કલાકથી વધુ સમય લાગ્યો હતો. મહિલાઓની 50 કિગ્રા રેસલિંગમાં ફાઈનલ ઇવેન્ટમાં પહોંચ્યા બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવતા વિનેશને કોઈ મેડલ મળ્યો ન હતો, પરંતુ આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશ થઇ હતી.
એક અહેવાલ અનુસાર, ગામ લોકોએ ફાળો ઉઘરાવીને વિનેશ માટે ઈનામની રકમ એકઠી કરી હતી. ગામ લોકો યથાશક્તિ મુજબ યોગદાન પાયું હતું, કોઈએ ₹100 તો ફૌજી ભાઈચારા ગ્રુપે ₹21,000 સુધી ફાળો આપ્યો હતો.
બલાલીમાં સ્થાનિક યુવકોએ વિનેશ ફોગટના પોસ્ટર લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું “મારી છોરી, ખારા સોના”. ઉજવણી માટે ગ્રામજનો માટે કુલ 750 કિલો બૂંદીના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.
વિનેશ શનિવારે સવારે 10 વાગ્યે નવી દિલ્હી પહોંચી હતી ત્યાંથી તેના સમર્થકોના કાફલા સાથે ગામ તરફ જવા રવાના થઇ હતી. ઘરે પરત ફર્યા ત્યારે વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. IGI એરપોર્ટની બહાર હજારો સમર્થકો એકઠા થયા હતા. રેસલર બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત પંચાયતના નેતાઓ પણ હતા.
પોતાના વતન પહોંચ્યા પછી, વિનેશે તેના સમર્થકોનો આભાર માન્યો. તેણીએ કહ્યું: “જો કે મને ગોલ્ડ મેડલ મળ્યો ન હતો, પરંતુ અહીંના લોકોએ મને જે પ્રેમ અને સન્માન આપ્યો છે તે 1,000 ગોલ્ડ મેડલ કરતાં વધુ છે.”