
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી આ કુસ્તીબાજને પ્રોત્સાહિત કરવા માટે ચારે બાજુથી સમર્થકોનો રાફડો ફાટ્યો હતો. ભારતની સૌથી પ્રતિષ્ઠિત કુસ્તીબાજોમાંની એક વિનેશને ઓછામાં ઓછો સિલ્વર મેડલ મળવાની અપેક્ષા હતી, પરંતુ 50Kg વર્ગમાં લગભગ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તે મહિલા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી.
વિનેશે સંયુક્ત સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી, જોકે, લગભગ એક અઠવાડિયા સુધી કેસની તપાસ કર્યા બાદ, CAS એ બુધવારે સાંજે તેની અરજી ફગાવી દીધી હતી, અને તેના ઓલિમ્પિક સપના ચકનાચૂર થઇ ગયા હતા. વિનેશે શુક્રવારે સાંજે એક ભાવનાત્મક નિવેદન બહાર પાડ્યું હતું અને પેરિસ ગેમ્સમાં હાર પછી તેણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેની વાત કરી હતી. તેના નિવેદનમાં, તેણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના મુખ્ય તબીબી અધિકારી ડૉ. દિનશા પારડીવાલા સહિત અનેક વ્યક્તિઓના પ્રયત્નોની પ્રશંસા કરી, જેમણે તેની કુસ્તી યાત્રામાં તેને મદદ કરી.
જો કે, તેમણે તેમના નિવેદનમાં જે મોટા નામોનો ઉલ્લેખ કર્યો ન હતો તેમાંથી એક તેમના કાકા મહાવીર ફોગાટનું હતું. આ વાત તેની પિતરાઈ બહેનો ગીતા અને બબીતાને યોગ્ય નહોતી લાગી. તેમણે કોઈનું નામ લીધા વિના તેમની પિતરાઈ બહેન પર સીધો પ્રહાર કર્યો. બંને રેસલર બહેનોએ ‘X’ પર પોસ્ટ કરી હતી.
ગીતા ફોગાટે પોસ્ટમાં લખ્યું હતું કે , “કર્મોનું પરિણામ સરળ છે… ‘છલ કા ફલ છલ, આજ નહીં તો કલ… “

ગીતાએ તેના પતિ પવન કુમાર સરોહાએ કરેલી એક ટ્વીટ પણ ફરીથી પોસ્ટ કરી હતી. પવન કુમાર સરોહા પણ એક કુસ્તીબાજ છે. તેમણે વિનેશનું ત્રણ પાનાનું નિવેદન શેર કર્યું. તેમણે લખ્યું, “વિનેશ, તેં ઘણું સારું લખ્યું છે, પરંતુ કદાચ આજે તું તારા કાકા મહાવીર ફોગાટને ભૂલી ગઈ છે, જેમણે તારી કુસ્તી જીવનની શરૂઆત કરી હતી, ભગવાન તને સારી બુધ્ધિ આપે.”

દરમિયાન ગીતાની બહેન બબીતાએ પણ આવી જ પ્રતિક્રિયા આપી હતી. તેણે કોઈનું નામ પણ ન લીધું પરંતુ ‘X’ પર લખ્યું, “દરેક સફળતા એક હાર છે જેનો એકમાત્ર હેતુ બધાને અપમાનિત કરવાનો છે.”

વિનેશ શનિવારે સવારે ભારત પરત ફરી ત્યારે નવી દિલ્હી એરપોર્ટ પર ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ તેમનું સ્વાગત કર્યું હતું.
વિનેશની ગેરલાયકાત પછી તેના કાકા મહાવીર ફોગાટે કહ્યું હતું કે તેઓ તેને ગોલ્ડ મેડલ વિજેતાની જેમ આવકારશે અને સંગીતા ફોગટને પણ 2028 ઓલિમ્પિક માટે તૈયાર કરશે.