નવી દિલ્હી: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ભારત પરત ફરી (Vinesh Phogat Return to India) છે, દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા વિનેશ આંશુ રોકી શકી ન હતી. આજે લગભગ 11 વાગે વિનેશ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ મેડલ ન મળવાનો અફસોસ વિનેશના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. એરપોર્ટ પર વિનેશનું ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તે ખૂબ રડી હતી.
વિનેશ માટે છેલ્લા 10 દિવસ અકલ્પનીય રીતે મુશ્કેલ રહ્યા છે. કોઈ અન્ય ખેલાડી તેના જીવનમાં આવા સમયની કલ્પના જ ના કરી શકે. રેસલર બજરંગ પુનિયા અને સાક્ષી મલિક વિનેશનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. વિનેશ બહાર આવતાં જ બંનેએ તેને ગળે લગાડી, વિનેશ બંનેને ગળે મળીને ખૂબ રડી. ભારત પરત ફરવા પર વિનેશ ફોગાટે કહ્યું, આપ સૌનો આભાર.
વિનેશે ખુલ્લી જીપમાં ઉભા રહીને તમામ સમર્થકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે “હું સમગ્ર દેશનો આભાર માનું છું.” વિશાળ કાફલો વિનેશના હરિયાણામાં તેના ગામ બલાલી સુધી જશે.
વિનેશ ફોગાટ ભલે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતી ન શકી, પરંતુ તેણે દરેક ભારતીયોનું દિલ ચોક્કસપણે જીતી લીધું છે. આ કારણે દિલ્હી એરપોર્ટ પર વિનેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો વિનેશની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. એરપોર્ટથી બહાર આવ્યા બાદ વિનેશે હાથ જોડીને તમામ ચાહકોનો આભાર માન્યો હતો.
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા મહિલા રેસલિંગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. વિનેશે તેની પ્રથમ મેચમાં ગત ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા અને વર્લ્ડ ચેમ્પિયન રેસલરને હરાવી હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં જોરદાર જીત નોંધાવી હતી. જોકે, ફાઈનલના દિવસે 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશે CAS સમક્ષ સિલ્વર મેડલની અપીલ કરી હતી. આ દરમિયાન દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ કેસ લડ્યો હતો. CASએ વિનેશને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા કહ્યું. જો કે ત્યારબાદ તેનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો