વિનેશ નિવૃત્તિ પાછી ખેંચી લેશે? વિનેશના કાકાએ કર્યો આવો દાવો
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)માં 50kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ મેચ પહેલા વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવતા, દેશને ગોલ્ડ મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ ઘટનાક્રમ બાદ નિરાશ થયેલી વિનેશે રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશના કાકા અને કોચ મહાવીર ફોગાટે (Mahavir Phogat) વિનેશના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે આ નિર્ણય પાછો ખેંચી લેશે.
વિનેશ ફોગટને રેસલિંગ શીખવનારા તેના કાકા મહાવીર ફોગટે કહ્યું કે જ્યારે પણ વિનેશ પરત આવશે, ત્યારે અમે તેને સમજાવીશું કે તેણે હજી વધુ રમવાનું છે અને તેણે નિવૃત્તિનો નિર્ણય બદલવો જોઈએ. અમે તેને હિંમત ન હારવા અને હવેથી 2028 ઓલિમ્પિકની તૈયારી શરૂ કરવા કહીશું. હું, બજરંગ પુનિયા અને અમે બધા મળીને તેને સમજાવીશું.
તેમણે કહ્યું કે 2016માં તે ઈજાના કારણે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી ન હતી. 2020 અને 2024માં ફેડરેશન અને બ્રિજ ભૂષણ સામેના વિરોધને કારણે તે દબાણમાં હતી.
વિનેશના નિવૃત્તિ લેવાનાઆ નિર્ણય અંગે મહાવીર ફોગાટે કહ્યું કે કોઈ પણ ખેલાડી આ સ્તરે પહોંચે છે અને જ્યારે આવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે તે ગુસ્સામાં આવા નિર્ણયો લે છે. આ તેની ત્રીજી ઓલિમ્પિક હતી અને આટલી નજીક પહોંચ્યા પછી ખાલી હાથે પરત ફરવું દિલ તોડવા જેવું છે. વિનેશને સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવાથી દેશને નુકસાન થયું છે. આ દુ:ખ ત્યારે જ ઓછું થશે જ્યારે તે દેશ માટે ગોલ્ડ મેડલ લાવશે.
ષડયંત્ર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કોઈ કાવતરું થયું હશે. નિયમો નિયમો છે અને બધું નિયમો પ્રમાણે થયું છે.
નોંધનીય છે કે ફાઈનલ મેચ પહેલા વિનેશ ફોગાટનું વજન 50kgથી 100 ગ્રામ વધુ હોવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક જાહેર કરવામાં આવી હતી.