રામ મંદિર આંદોલનનો ચહેરો મનાતા વિનય કટિયારને રામ મંદિરનું આમંત્રણ મળ્યું પણ
નવી દિલ્હીઃ બજરંગ દળના સ્થાપક પ્રમુખ અને ફાયર બ્રાન્ડ લીડર વિનય કટિયારને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને આમંત્રણ આપ્યું છે. જોકે, તેમણે સ્વાસ્થ્યના કારણોસર હજી સુધી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા અંગે કોઇ નિર્ણય લીધો નથી. જો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે તો તેઓ જરૂરથી રામ મંદિરના અભિષએક સમારોહમાં હાજરી આપશે, એમ તેમણે જણાવ્યું હતું.
વિનય કટિયારે બજરંગ દળના સ્થાપક પ્રમુખ તરીકે રામ મંદિર આંદોલનમાં યોગદાન આપ્યું હતું. મંદિર આંદોલનને કારણે જ તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. અયોધ્યા શહેર પહેલા ફૈઝાબાદ નામે ઓળખાતું હતું. તેઓ ફૈઝાબાદના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપમાં તેમણે ઘણી જવાબદારીઓ નિભાવી છે.
ભાજપે તેમને રાજ્યસભાના સાંસદ પણ બનાવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્યના કારણસર તેઓ રાજકારણમાં સક્રિય નથી. જ્યારે તેમને રામ મંદિરનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓ ઘણા ખુશ થયા હતા. તેમણે રામમંદિર આંદોલનનો સમય યાદ કર્યો હતો અને કહ્યું હતું કે એ મસ્જિદ નહીં પણ મહાજીદ હતી જેને તોડી પાડવામાં આવી હતી. રામનું કાર્ય પૂર્વનિર્ધારીત યોજના મુજબ પાર પાડવામાં આવ્યું હતું. હવે લાખો રામ ભક્તોના બલિદાન અને યોગદાનના ફળરૂપે રામલ્લાનું મંદિર તૈયાર થયું છે અને ભગવાન રામ તેમાં નિવાસ કરવાના છે. એવા સમયે અમે રામભક્તો દિલના ઉંડાણમાં શું અનુભવી રહ્યા છીએ તે અમે જ જાણીએ છીએ. દિલની આ લાગણી વ્યક્ત કરી શકાય તેમ નથી.
કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ નકારી કાઢ્યું એ અંગે પૂછવામાં આવતા વિનય કટિયારે જણાવ્યું હતું કે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની પાર્ટી રામની વિરુદ્ધ છએ. તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય. તેમને રામ મંદિરના નિર્માણનું દુઃખ છે. રામ મંદિરનું નિર્માણ પૂરું થઇ રહ્યું છે, એનાથી તેઓ પરેશાન છે. આ બધાએ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ જીવતા હોત તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂર સામેલ થયા હોત.
બાબરી વિધ્વેસની જૂની યાદો તાજી કરતા તેમણે કહ્યું હતું કે સ્ટ્રક્ચર તોડી પાડ્યા બાદ તેમણે તત્કાલીન પીએમ રાવ સાથે ફોન પર વાત કરી હતી, તેઓ ખૂબ જ ખુશ હતા. તાજેતરમાં શંકરાચાર્યોએ આપેલા નિવેદન અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આવા ભવ્ય મહોત્સવ પ્રસંગે આવા નાના નાના વિષયોથી કોઈ ફરક પડતો નથી