ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અમુક ગામવાસીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, શા માટે?
ચમોલીઃ ઉત્તરખંડના ચમોલી જિલ્લાના કેટલાક ગામોના રહેવાસીઓએ પ્રદેશમાં રસ્તાના માળખાકીય અભાવને લીધે તબીબી સુવિધાઓ મેળવવામાં વિલંબ થતો હોવા સામે વિરોધ નોંધાવવા માટે આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ગણાઇ ગામના પ્રદીપ ફરશવાન કહે છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદીય ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં બે મહિલાઓએ હોસ્પિટલ જતી વેળા રસ્તામાં બાળકોને જન્મ આપ્યો હતો. અમે ડિસેમ્બરમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. જ્યાં સુધી અમારા ગામને રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.
અમે ૧૧ ડિસેમ્બરે આ સમસ્યા અંગે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. ફેબ્રુઆરીમાં ગામડાના પ્રતિનિધિઓએ મહિલાઓ સાથે મળીને આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક અધિકારીઓ ૩૦ માર્ચે આ વિસ્તારમાં આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ૧૦ દિવસમાં રિપોર્ટ સબમિટ કરશે, પરંતુ તે કામ હજુ બાકી છે.
અન્ય એક ગ્રામીણ દીપક ફરશવાને જણાવ્યું હતું કે મતદાન અધિકારીઓ મતદાન મશીન સાથે ગામમાં આવ્યા હતા. જેથી વૃદ્ધ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. એક ૮૫ વર્ષીય મહિલાએ પોતાનો મત આપવાનો ઇનકાર કરતા કહ્યું કે તેણીએ તેના જીવનમાં ક્યારેય પાકો રસ્તો જોયો નથી પરંતુ તે નથી ઇચ્છતી કે ભાવિ પેઢી તેની દુર્દશાનો અનુભવ કરે.
તપોવન વિસ્તારના ભાંગુલ ગારહ ગામના જિતેન્દ્ર સિંહ કન્યાલે જણાવ્યું હતું કે ૨૦૨૧ના પૂરમાં તેઓએ એક પુલ ગુમાવ્યો હતો. એક પુલ હતો જે અમે ૨૦૨૧ની દુર્ઘટનામાં ગુમાવ્યો હતો. હવે અમારે તપોવન માર્કેટ સુધી પહોંચવા માટે લગભગ ૩ કિલોમીટર ચાલીને જવું પડે છે.
આ વિસ્તારમાં રોડ બનાવવા માટે ૨૦૧૧ અને ૨૦૧૮માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કંઇ થયું નથી. તહસીલદાર ગયા અઠવાડિયે બે વાર અમને મળવા આવ્યા હતા, પરંતુ બેઠક ફળદાયી નીવડી ન હતી અને અમારું મતદાન બહિષ્કારનું એલાન હજુ પણ યથાવત છે.
કપિરી વિસ્તારના કંખલ મલ્લા ગામના રહેવાસીઓએ પણ મતદાન-બહિષ્કારનું એલાન કર્યું હતું, પરંતુ સ્થાનિક ધારાસભ્યની ખાતરીને પગલે તે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. અન્ય એક ગ્રામીણ ખિલદેવ રાવત જણાવે છે કે વૃદ્ધ લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે કારણ કે તબીબી કટોકટીના કિસ્સામાં તેમને ખભા પર હોસ્પિટલ લઇ જવા પડે છે.