
ચેન્નઈ: જ્યારે એક જ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. ત્યારે નાસભાગ થવાની શક્યતા રહેતી હોય છે. તાજેતરમાં તમિલનાડુ ખાતે પણ આવી જ ઘટના બની છે. તમિલનાડુના કરુર ખાતે અભિનેતા વિજયના રાજકીય પક્ષ TVKની રેલીમાં નાસભાગ થઈ ગઈ હતી. જેમાં 39 લોકોનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટનાને લઈને વિજય દ્વારા પહેલી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
હું અસહ્ય દુ:ખ અનુભવી રહ્યો છું: વિજય
અભિનેતા અને રાજનેતા વિજયે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “મારું હૃદય તૂટી ગયું છે, હું અસહ્ય, અવર્ણનીય દુ:ખ અનુભવી રહ્યો છું. કરૂરમાં પોતાનો જીવ ગૂમાવનાર મારા વહાલા ભાઈઓ અને બહેનોના પરિવાર પ્રત્યે હું મારી ગાઢ સંવેદના વ્યક્ત કરૂ છું. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરૂં છું.”
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ TVKની રેલીમાં થયેલી નાસભાગમાં 39 લોકોનું મૃત્યુ થયું છે. જેમાં 8 બાળકો અને 16થી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને લઈને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને દુ:ખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા તથા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. દુર્ઘટનાની સમીક્ષા માટે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન દ્વારા સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. કરુર ખાતે થયેલી દુર્ઘટનાની તપાસ માટે ન્યાયમૂર્તિ અરુણા જગદીશનની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
દક્ષિણ ભારતના રાજ્યોમાં અભિનેતાના નેતા બનવાનું ચલણ વધારે જોવા મળે છે. તાજેતરમાં અભિનેતા વિજયે પણ તમિલગા વેટ્ટી કઝગમ નામનો રાજકીય પક્ષ બનાવીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. આ રીતે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય દ્વારા તમિલનાડુના કરૂર જિલ્લામાં 27 સપ્ટેમ્બર 2025ને શનિવારની રાત્રે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિજયને સાંભળવા તથા તેની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં તેના ચાહકો આવ્યા હતા.
વિજયને જોવા માટે બપોરે જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે સાંજે સાત વાગ્યે વિજયે રેલીને સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે કેટલાક લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી રેલીમાં બૂમરાણ મચી ગઈ હતી. TVKના કાર્યકર્તાઓએ આ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યા હતો. પરંતુ ગણતરીની મિનિટોમાં નાસભાગ શરૂ થઈ ગઈ હતી. જેથી વિજયે પણ પોતાનું ભાષણ અટકાવી દીધું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
ઉલ્લેખનીય છે કે, કરુર દુર્ઘટનાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સહિત અનેક લોકોએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમિલનાડુ સરકાર પાસે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે તમિલનાડુ સરકારને કેન્દ્ર તરફથી શક્ય બને તેટલી તમામ પ્રકારની મદદ કરવાની બાંયધરી આપી છે.
આ પણ વાંચો…મિલનાડુના કરૂર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 31 લોકોના મોતની આશંકા