કરુર નાસભાગ મુદ્દે થલપતિ વિજયે મૌન તોડ્યુંઃ CM સ્ટાલિનને વીડિયો બનાવીને આપી ચેલેન્જ

ચેન્નઈ: તમિલગા વેત્રિ કઝગમ (TVK)ના અધ્યક્ષ અને જાણીતા અભિનેતા વિજય થલપતિની કરુર ખાતે યોજાયેલી રેલીમાં નાસભાગના કારણે 41 લોકોના જીવ ગયા છે. આ ઘટનાને લઈને વિજય થલપતિએ અગાઉ એક્સ પર પોસ્ટ લખીને પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. જોકે, હવે વિજય થલપતિએ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથોસાથ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનને કરુર દુર્ઘટનાને લઈને રાજનીતિ ન કરવાની વાત પણ કરી છે.
કરુર દુર્ઘટનાને લઈને હું આઘાતમાં છું
એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમાં વિજય થલપતિએ જણાવ્યું કે કરુર દુર્ઘટનાને લઈને હું આઘાતમાં છું. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ સ્થળની પસંદગી કરવામાં આવી હતી અને પોલીસ વિભાગની પરવાનગી પણ લેવામાં આવી હતી. તેમ છતા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ જલદી સાજા થશે તેવી આશા છે.
કરુર દુર્ઘટના બાદ વિજયે આપી પહેલી પ્રતિક્રિયા, જાણો રાજકારણના નવા નિશાળિયાએ શું કહ્યું
કરુર દુર્ઘટનાને લઈને રાજકીય પક્ષો અનેક પ્રકારના આરોપો વિજય અને તેના રાજકીય પક્ષ પર લગાવી રહ્યા છે. જેને લઈને વિજયે વીડિયોમાં જણાવ્યું કે હું પણ માણસ છું. જ્યારે આટલા બધા લોકો અસરગ્રસ્ત થયા છે. તો હું તેઓને છોડીને કેવી રીતે પાછો આવી શકું? હું તે માટે નહોંતો ગયો કેમ કે હું એ ખાતરી અપાવવા ઈચ્છતો હતો કે, કોઈ આવી ઘટના ફરી ન થાય. અમે પાંચ જિલ્લામાં પ્રચાર કર્યો, તો કરુરમાં જ કેમ આવું થયું? આવું કેવી રીતે થયું? લોકો સત્ય જાણે છે અને બધુ જુએ છે. વિજયે આગળ જણાવ્યું કે સત્ય જલદી સામે આવશે, અમારા પક્ષે કશું ખોટું કર્યું નથી.
મારા સમર્થકોને હાથ ન અડાડશો
પોલીસે વિજય થલપતિ પર ‘જાણીજોઈને શક્તિ પ્રદર્શન’ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથોસાથ તેના પક્ષના કાર્યકર્તા પર પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે. જેને લઈને વિજય થલપતિએ મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનને અપીલ કરતા કહ્યું કે સીએમ સાહેબ, જો બદલો લેવો હોય તો મારી સાથે કઈ પણ કરી લો. મારા સમર્થકોને હાથ ન અડાડશો. હું ઘરે અથવા મારી ઓફિસમાં મળીશ. મારી સાથે જે કરવું હોય તે કરો.
કરૂર નાસભાગ: 41 મૃત્યુ બાદ અભિનેતા-રાજકારણી વિજય પર પોલીસે લગાવ્યા ગંભીર આરોપો
પોતાના સમર્થકો પર લગાવેલા આરોપોને ફગાવતા વિજયે કહ્યું કે આ સિવાય અમે કોઈ ખોટું કામ નથી કર્યું. તેમ છતા પક્ષના નેતાઓ, દોસ્તો અને સોશિયલ મીડિયા યુઝર્સના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કરુર દુર્ઘટના બાદ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કહ્યું હતું કે, અમારા રાજ્યના ઇતિહાસમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો નથી. ભવિષ્યમાં પણ આવું ફરી ક્યારેય ન થવું જોઈએ.